બિટકોઇન કેસમાં ૯ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ

1369
guj942018-7.jpg

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી બિટકોઇન પડાવી રૂ.૩૨ કરોડની હવાલા મારફતે ટ્રાન્સફર કરવાની માંગણીના ચકચારભર્યા પ્રકરણમાં આજે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ અમરેલીમાં જુદી જુદી છ ટીમોની મદદથી જુદા જુદા સ્થળોએ દરોડા પાડયા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં એલસીબી પીઆઇ સહિત કુલ નવ પોલીસ કર્મચારીઓ સામે ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવતાં સમગ્ર રાજયના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર બિટકોઇન મામલાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના પણ કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી સૈય્યદ તપાસનો મુખ્ય દોર સંભાળશે. સૌથી મહત્વની અને નોંધનીય વાત એ છે કે, સીઆઇડી ક્રાઇમે આ સમગ્ર પ્રકરણમાં આરોપી પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ અપહરણ, ખંડણી અને ગુનાહિત કાવતરા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ ચલાવાઇ રહી છે અને આગામી દિવસોમાં વધુ પોલીસ કર્મચારીઓની ધરપકડની શકયતાઓ બળવત્તર બની છે. 
બિટકોઇનના રાજયભરમાં ખળભળાટ મચાવનાર પ્રકરણમાં આજે નવો વળાંક આવ્યો હતો. આજે સવારે બિટકોઇન કેસની તપાસ અંતર્ગત સીઆઈડી ક્રાઇમના અધિકારીઓની જુદી જુદી છ ટીમોએ અમરેલીમાં પોલીસ પર અચાનક દરોડા પાડ્‌યા હતા. જેને પગલે રાજયભરના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા એલસીબી પી.આઈ. અનંત પટેલ સહિત ૮ પોલીસકર્મી પર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૩ પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ આ પ્રકરણમાં અપહરણ, ખંડણી અને ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના અંતર્ગત તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આજે સીઆઇડી ક્રાઇમના દરોડાથી ફફડી ઉઠેલા કેટલાક પોલીસ કર્મચારીઓ તો પોતાના ઘરોને તાળા મારી પરિવાર સાથે રફુચક્કર થઇ ગયા હતા પરંતુ સીઆઇડી ક્રાઇમે સ્થાનિક મામલતદારને સાથે રાખી ઘરના તાળાઓ તોડી તપાસનો અસરકારક દોર ચલાવ્યો હતો. દરમ્યાન સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાએ આ અંગે જણાવ્યું હતું કે, પોલીસે આ સમગ્ર મામલામાં તટસ્થ અને ન્યાયી તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. પોલીસે જપ્ત કરેલા સીસીટીવી ફુટેજ અને કેટલાક વીડિયો રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ થયું છે કે, આ મામલામાં અપહરણ અને ગેરકાયદે ગોંધી રાખવાની વાત સાચી છે પરંતુ રૂ.૩૨ કરોડ હવાલાથી ટ્રાન્સફર કરાયાનું હજુ તપાસમાં સામે આવ્યું નથી. સીટ દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ રહી છે.  ઉલ્લેખનીય છે કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટની ફરિયાદના આક્ષેપો મુજબ, અમરેલી પોલીસના આરોપી કર્મચારીઓ અને અધિકારીઓએ ગત તા.૧૧-૨-૨૦૧૮ના રોજ તેમનું અપહરણ કરી, તેમની પાસેથી ૨૦૦ બિટકોઇન પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એ વખતે રૂ.૩૨ કરોડ હવાલાથી ટ્રાન્સફર કરી આપવાની ખાતરી આપતાં તેમને પાછળથી છોડી મૂકાયા હતા. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે કરેલા ખુલાસા મુજબ તેના જ ભાગીદારની મદદની અમરેલી પોલીસે ગાંધીનગરમાંથી અપહરણ કર્યુ હતું.
આ મામલે ફેબ્રુઆરીથી સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રીસ કરતા વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જો કે હજુ શૈલેષ ભટ્ટ પાસેથી પાંચ કરોડ રોકડ લેનાર સીબીઆઈના અધિકારી સુનીલ નાયરના મામલે સીઆઈડીએ તપાસ કરી નથી.

Previous articleવાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો
Next articleરાજયના પાટનગરમાં ચોરીના બનાવોથી રીતસર તસ્કરરાજ