નિર્દોષ વાહન ચાલકો-રાહદારીઓ માટે યમ સદનના દ્વાર સમાન સાબિત થઈ રહેલ અને લોક મુખે ગોજારો માર્ગ તરીકે ઓળખાતાં ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે આ નેશનલ હાઈવે નું નવિનીકરણ આવા ગંભીર અકસ્માતો માટે એક મુખ્ય કારણ હોવાનું લોકો જણાવે છે ત્યારે આજરોજ ઢળતી બપોરે તળાજા ના પાદરમાં કાર-ટ્રક વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માત માં તળાજા તાલુકાના પિપરલા ગામે રહેતા કાર ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું,
આ અંગે તળાજા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના પિપરલા ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા પાલિવાલ બ્રાહ્મણ રણછોડભાઈ કાશીરામભાઈ પંડ્યા ઉ.વ.૫૪ આજે બપોરે પીપરલા તેનાં ઘરેથી ખેતીના કામ સબબ પોતાની વેગનાર કાર નં જી-જે-૦૪-ડીએન-૨૮૫૯ લઈને તળાજા આવી રહ્યા હતા તે વેળાએ શેત્રુંજી નદીના પુલ પાસે વેળાવદર ગામના પાટીયા પાસે કોડીનાર થી સિમેન્ટ ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટોરસ ટ્રકના ચાલકે પુર ઝડપે ચલાવી ટ્રક વેગનાર કાર પર ચડાવી દેતાં કાર નું પડીકું વળી ગયું હતું અને આખી કાર ટ્રકની કેબિન નિચે દબાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જીને ટ્રક નં જી-જે-૧૮-એક્સ-૮૨૬૪ નો ચાલક ટ્રક ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો હતો આ બનાવને લઈને રોડપર ટ્રાફિક જામ સજૉયો હતો તથા લોકો કાર ચાલકની મદદે દોડી આવ્યા હતા પરંતુ કાર ટ્રકમાં ખરાબ રીતે ફસાયેલી હોય ચાલકને કાઢવો મુશ્કેલ બનતા લોકો એ એક જેસીબી મશીન બોલાવી અનેક લોકો એ ભેગા મળી ભારે જહેમત બાદ ટ્રક તળે દબાયેલ કાર માથી ચાલકને બહાર કાઢ્યો હતો પરંતુ આ ગંભીર અકસ્માત માં ચાલકની લાશ ક્ષત-વિક્ષત થઈ ગઈ હોય મૃતકનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો સમગ્ર બનાવની જાણ તળાજા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને પીએમ માટે તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તે પસાર થતાં રાહદારીઓ-વાહન ચાલકો પણ થંભી જતાં હતાં અને ઘટના નિહાળતાની સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી…!