ગાંધીનગર શહેરમાં છેલ્લા એક મહિનામાં ચોરીના વધતા જતાં બનાવોથી ગાંધીનગરના નગરજનો હવે પોતાનું મકાન બંધ કરીને જતાં રીતસરના ગભરાય છે. ધોળા દિવસે અને રાત્રે તસ્કરો એક જ રાતમાં ત્રણ-ચાર મકાનોના તાળા તોડી હાથ અજમાવે છે બીજી તરફ પોલીસ પોતાનો ક્રાઈમરેટ જાળવવા માટે એફઆરઆઈ પણ નોંધતી નથી. જેથી ચોરી થયા બાદ તુટેલા તાળા, બારણા પરના સાઈન્ટીફીક એવીડન્સ લેવાનું તો બાજુ પર ઉપરથી બે કોન્સેબલ નોંધ કરી પ્રક્રિયા પુરી કરી દે છે તો ચોર પકડવાની તેમની દાનત વિશે શંકા-કુશંકાઓ નાગરિકોના મનમાં ઉત્પન્ન થઈ રહી છે અને તે ચર્ચાનો વિષય બની રહી છે.
ગાંધીનગર શહેરમાં સેકટર ૧૨બીમાં પ્લોટ નં ૪૧૪/૨ ખાતે રહેતા સૌરભભાઇ વિનોદભાઇ ગુપ્તાનાં મકાનમાં રવીવારની પુર્વ રાત્રે ત્રાટકેલા તસ્કરો દરવાજાનો નકુચો તોડીને ઘરમાં ઘુસ્યા હતા. સૌરભભાઇ અમદાવાદ નોકરી પર ગયા હતા તથા તેમનાં પત્નિ સેકટર ૪માં પિતાનાં ઘરે ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. રવીવાર સવારે પડોશીએ નકુચો તુટેલો હોવાની જાણ કરતા સૌરભભાઇ દોડી આવ્યા હતા. બેડરૂમમાં જોતા તિજોરી ખુલ્લી હતી અને કપડા સહિતનો સામાન વેર વિખેર પડ્યો હતો.
તિજોરીમાં રાખવામાં આવેલ સોનાનું ૧ તોલાનું મંગળસુત્ર, ૩ તોલા સોનાની જોડી, ચાંદીનાં ઝાંઝર, પગની માછલી, રૂ.૩૦ હજારની કિંમતની ૩ મોંઘી ઘડીયાળો તથા સેમસંગ કંપનીનું ટેબલેટ મળીને રૂ.૧.૨૩ લાખનો મુદ્દામાલ ચોરાઇ ગયાનું ધ્યાને આવ્યુ હતુ. પોલીસને જાણ થતા દોડી ગઇ હતી. આટલામાં ૧૨સીમાં પ્લોટ નં ૩૪૪/૨ ખાતે રહેતા ગૌતમભાઇ ચાવડાનાં ઘરનું તાળુ તુટ્યાની ખબર પડતા તપાસ કરી હતી. જો કે ગૌતમભાઇનો પરીવાર અમદાવાદ રહેતો હોવાથી આ ઘર મોટાભાગે બંધ રહેતુ હતુ. તસ્કરોને સોનાનો ઢોળ ચલાવેલો રૂ.૫ હજારની કિમતનો સેટ જ હાથ લાગ્યો હતો. જયારે શોપીંગ પાસે આવેલા સહજાનંદ એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલા મકાનમાં પણ નકુચો તુટ્યાની ખબર પડતા પોલીસ દોડી ગઇ હતી.
ગૌતમભાઇ ચાવડાનાં ઘરે ઘુસેલા તસ્કરોએ ડેલીનું તાળુ, ગ્રીલનું તાળુ તથા મુખ્ય દરવાજાની ગ્રીલનું તાળુ તોડ્યુ હતુ. બે તાળા પણ સાથે લઇ ગયા હતા. જયારે બહારનાં ભાગે લગાવેલો સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યો હતો. જો કે આ પરીવાર બહાર રહેતો હોવાથી સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું જાણવા મળ્યુ છે. જેના કારણે ફુટેજ ન મળતા પોલીસની મુશ્કેલી વધી ગઇ છે.