સમગ્ર રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા પ્રતિબંધાત્મક નિર્ણયો લઇ સરકારી કચેરીઓમાં પચાસ ટકા હાજરી તેમજ સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હવે કોરોનાના કેસો ઓછા થઇ જતા આજે તા. ૭મીથી રાજ્યભરમાં સરકારી કચેરીઓ સો ટકા સ્ટાફ સાથે શરૂ કરવાની મુખ્યમંત્રી દ્વારા કરાયેલી જાહેરાતના પગલે ભાવનગરની તમામ સરકારી કચેરીઓ આજથી સો ટકા સ્ટાફ સાથે ફરી ધમધમતી થઇ જવા પામી છે. બે મહીના ઉપરાંતના સમયથી સરકારી કચેરીઓમાં પચાસ ટકા સ્ટાફથી કામગીરી કરવામાં આવી રહી હતી. જ્યારે છેલ્લા પંદર દિવસના ઉપરાંતના સમયથી રાજ્યભરમાં કોરોના મહામારી કાબુમાં આવી હોય તેમ પોઝીટીવ કેસોની સંખ્યા એકદમ ઘટી જવા પામી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તા. ૭ જુનથી રાજ્યભરમાં નિયંત્રણો હળવા કરવા સાથે સરકારી કચેરીઓ સો ટકા સ્ટાફ સાથે શરૂ કરવાની જાહેરાત કરેલી જેના પગલે આજથી ભાવનગરની તમામ સરકારી કચેરીઓ ફુલ સ્ટાફ સાથે ધમધમતી થઇ જવા પામી છે. ખાસ કરીને મહાપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત, સહિતની કચેરીઓમાં સો ટકા સ્ટાફ સાથે કામગીરી શરૂ થઇ જતા હવે અરજદારોના પેન્ડીંગ કામોનો નિકાલ આવશે અને કચેરીઓમાં અરજદારોને ધક્કા ખાવા નહીં પડે. જો કે, સરકારી કચેરીઓ સો ટકા સ્ટાફ સાથે ખુલ્લી હોય અરજદારોનો પણ ઘસારો રહેનાર હોય કોરોનાના નિયમનું સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક તથા સેનિટાઇઝરના ઉપયોગનું પાલન કરવું જરૂરી છે.