પાટણમાં દલિત સામાજિક કાર્યકર ભાનુભાઈ વણકરના આત્મવિલોપન કાંડ બાદ રાજ્ય સરકારનો ભારે વિરોધ થયો હતો, જેને પગલે સરકારે ૬ મહિનામાં દલિતોને ફાળવાયેલી તમામ જમીનોનો કબજો આપવાની પરિપત્ર કરીને બાંહેધરી આપી હતી. આ મુદ્દે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ભાનુભાઈ વણકરના કેસ બાદ સરકારે આપેલી ખાતરીને દોઢ મહિના જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે ત્યારે ૯ એપ્રિલે મહેસૂલ સચિવને મળીને દોઢ માસમાં દલિતોને કેટલી જમીનોના કબજા સોંપાયા, તે અંગેનો હિસાબ માગવામાં આવશે.મેવાણીએ જણાવ્યું હતું કે, તેઓ કાયદા નિષ્ણાતોની ટીમ લઈને મહેસૂલ સચિવ પાસે પરિપત્ર મુજબ આપેલું વચન પળાયું છે કે કેમ તેની ચકાસણી કરશે. સરકારે ભાનુભાઈના પ્રકરણ બાદ ૬ મહિનામાં દલિતોને ફાળવાયેલી જમીનોના કબજા સોંપવાની ખાતરી આપી હતી. તેમાંથી ચોથા ભાગનો સમય વિતી ગયો હોવાથી મહેસૂલ વિભાગે શું પગલાં લીધાં તેનો જવાબ માંગવામાં આવશે.
દરેક જિલ્લા કલેક્ટરે દર મહિને પાંચમી તારીખ પહેલાં જિલ્લાવાર દલિતોને ફાળવાયેલી જમીનો મુદ્દેનો વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવાનો હતો. એ મુજબ દોઢ મહિનામાં જિલ્લા કલેક્ટરો દ્વારા આ પ્રકારના કેટલા રિપોર્ટ સોંપવામાં આવ્યા, તે અંગેનો પણ જવાબ માગવામાં આવશે. વધુમાં મેવાણીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના દલિત, મુસ્લિમ, કોળી અનેેે ઠાકોર સમાજના લોકોને બે દાયકા પહેલાં ફાળવાયેલી ૨૦ હજાર વીઘા જમીનનો કબજો હજુ સુધી સોંપાયો નથી. તેના વિરોધમાં ૧૪મી એપ્રિલે સામખિયાળી હાઈ-વે બંધ કરાવવામાં આવશે.