પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોંઘી બ્રિડનો ઘોડો ખરીદ્યો

754

(સંપૂર્ણ સમાચાર સેવા) રાંચી,તા.૭
મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મ હાઉસમાં ચેતકની સાથે એક બીજો ઘોડો પણ જોવા મળી રહ્યો છે. શેટલેન્ડ એટલે કે પોની બ્રિડના આ ઘોડાને બુધવારે સ્કોટલેન્ડથી રાંચી લાવવામાં આવ્યો છે. ત્યારબાદ આ ઘોડો ધોનીના સિમલિયા સ્થિત નિવાસસ્થાને પહોંચ્યો. લગભગ બે વર્ષની ઉંમરનો આ ઘોડો દુનિયાનો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી બ્રિડનો ઘોડો છે. તેની ઊંચાઈ માત્ર ૩ ફુટની આસપાસ છે. આ ઘોડો પોતાની સ્પીડ માટે નહીં, પરંતુ માત્ર સજાવટ અને શો માટે જાણીતો છે. તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી વધારે છે. આ ઘોડાને ધોનીના સિમલિયા સ્થિત આવાસ પર રાખવામાં આવ્યો છે. ધોનીની દીકરી જીવા તેની સાથે ઘણો સમય પસાર કરી રહી છે. બીજો ઘોડો ચેતક ધોનીના સૈંબો સ્થિત ફાર્મ હાઉસમાં છે. થોડાક દિવસ પહેલા ધોનીની પત્ની સાક્ષી પણ સૈંબો સ્થિત ફાર્મ હાઉસ પહોંચી હતી, જ્યાં તે ગૌશાળામાં ગાયોને ચારો ખવડાવતી પણ જોવા મળી હતી. નોંધનીય છે કે ધોની અને તેનો સમગ્ર પરિવારને પાળેલા જાનવરો સાથે ખૂબ પ્રેમ છે અને તેઓ અનેકવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પણ શૅર કરતા રહે છે. મૂળે, ફાર્મ હાઉસમાં આવેલા સૌથી પહેલા ઘોડો ચેતક હજુ ૧૧ મહિનાનો છે અને તે મારવાડી બ્રિડનો છે. જોવામાં કાળો ચેતક પોતાની તેજ ચાલ માટે ઓળખાય છે.
બુધવારે સિમલિયા નિવાસસ્થાન પર બીજા ઘોડા ચેતકથી બિલકુલ અલગ બ્રિડનો છે. શેટલેન્ડ પોની બ્રિડનો ઘોડો સફેદ રંગનો છે. તે ઘોડાઓની બ્રિડમાં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી બ્રિડ છે. આ બ્રિડના ઘોડા પોતાની ચાલ માટે નહીં પરંતુ ખુશી અને સજાવટ માટે ઓળખાય છે. મળતી માહિતી મુજબ, ઘોડાના શોખીન મહેન્દ્ર સિંહ ધોનીએ સ્કોટલેન્ડના આ ઘોડા પર લાખો રૂપિયા ખર્ચ કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ખૂબ જ સુંદર ઘોડાની કિંમત ઘણી ઊંચી છે. નોંધનીય છે કે ધોનીના રાંચી સ્થિત સૈંબો ફાર્મ હાઉ માં હોર્સ રાઇડિંગની તૈયારીઓ ચાલી રહી છે. તેના માટે ૫થી ૬ ઘોડા બહારથી મંગાવવામાં આવી રહ્યા છે.

Previous articleઅભિનેત્રી કેટરીના કૈફ વિકી કૌશલના પ્રેમમાં હોવાની ચર્ચા
Next article૨૧ જૂનથી દેશમાં ૧૮ વર્ષથી વધુના તમામને મફતમાં વેક્સિન લગાવાશે