સેન્સેક્સનો ૨૨૮ પોઈન્ટનો કૂદકો, નિફ્ટી ૧૫૭૦૦ની સપાટીને પાર

706

(સં.સ.સે.) મુંબઈ, તા. ૭
આઇટી, ઇન્ફ્રા અને એનર્જી સેક્ટરની કંપનીઓના શેરમાં ખરીદીને પગલે ઘરેલુ શેર બજારો સોમવારે લાભ સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ સોમવારે ૨૨૮.૪૬ પોઈન્ટ એટલે કે ૦.૪૪ ટકાના વધારા સાથે ૫૨,૩૨૮.૫૧ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી ૮૧.૪૦ પોઇન્ટ અથવા ૦.૫૨ ટકા વધીને ૧૫૭૫૧.૭૦ પર બંધ થયો છે. નિફ્ટી પર અદાણી પોર્ટ્‌સ, પાવર ગ્રીડ, એનટીપીસી, શ્રી સિમેન્ટ્‌સ અને ટાટા મોટર્સના શેરો સૌથી વધુ તેજી સાથે બંધ થયા છે. બીજી બાજુ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ડિવીઝ લેબ્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો.
ક્ષેત્રીય સૂચકાંકો વિશે વાત કરાય તો, ધાતુ અને ફાર્મા સૂચકાંકો આંશિક ઘટાડા સાથે બંધ થયા છે. તે જ સમયે, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ૦.૭-૧.૪ ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.
સેન્સેક્સ પર પાવરગ્રિડના શેરોમાં સૌથી વધુ ૪.૪૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો. આ સિવાય એનટીપીસીના શેરમાં ૭.૭૭ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, લાર્સન અને ટુબ્રો, આઇટીસી, ટીસીએસ, એક્સિસ બેંક, મારૂતિ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી એરટેલ, ટાઇટન, ઇન્ફોસીસ, એશિયન પેઇન્ટ્‌સ, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા અને બજાજ ઓટોના શેરો લીલા નિશાન પર બંધ થયા છે.
બીજી બાજુ બજાજ ફાઇનાન્સના શેરમાં ૪.૪૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સના શેરમાં ૨.૬૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય એચડીએફસી, ડો. રેડ્ડીઝ, એસબીઆઇ, ઓએનજીસી, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વડા (સંશોધન) વિનોદે કહ્યું કે, પીએમ મોદીના રાષ્ટ્રને સંબોધન કરતા પહેલા અસ્થિર સત્રમાં સ્થાનિક શેરબજાર આજે ઉછાળા સાથે બંધ થયું. નિયંત્રણો હળવા કરવા અને કોવિડ -૧૯ રસીકરણ નીતિ બજારમાં સકારાત્મક વાતાવરણ બનાવ્યું.
એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો શંઘાઇ, ટોક્યો અને સિઓલમાં શેર બજારો લીલા નિશાન સાથે બંધ થયા છે. બીજી તરફ, હોંગકોંગના બજારો લાલ નિશાન પર બંધ રહ્યા હતા. બપોરના સત્રમાં યુરોપિયન શેર બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Previous articleપાક.માં ભીષણ રેલવે અકસ્માત સર્જાતાં ૩૦ લોકોનાં કરુણ મોત
Next articleસામાન્ય લક્ષણોવાળા દર્દી માટે અનેક દવાઓ બંધ કરી દેવાઈ