ગાંધીનગર ઉપવાસ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા દલિત મુદ્દે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર તેમજ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સહિત એકઠા થયેલા કોંગ્રેસીઓએ દલિત મુદ્દે સમાજને તોડવાના બદલે જોડવા માટેના સૂત્રોચ્ચારો બોલાવી પ્રમુખ સૂર્યસિંહ ડાભીની આગેવાનીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને સંસદની કાર્યવાહી બંધ રહેવાના વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી અનશન હેઠળ આજે રાજઘાટ પર વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ કાર્યકર્તા બીજેપી સરકાર વિરુદ્ધ અને દેશમાં સાંપ્રદાયિક સમાનતા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે દરેક રાજ્ય અને જિલ્લામાં એક દિવસનો ઉપવાસ રાખશે તેવું પણ તેમણે સૂચવ્યું હતું. જેને સંદર્ભે આજે ગુજરાતમાં ઠેરઠેર કોંગ્રેસના ધરણા અને ઉપવાસના કાર્યક્રમો યોજાયા છે. ગુજરાતના અનેક શહેરોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દિલ્હીમાં ગાંધી સમાધિની સામે આજે ધરણા પર ઉપવાસમાં બેસશે. આ ઉપવાસમાં રાહુલ એકલા નહીં હોય, પરંતુ તેમની સાથે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ પણ સાથે હશે. જેઓને રાહુલ ગાંધીએ આજે દેશભના કોંગ્રેસ કાર્યાલયોને આ મુદ્દે ઉપવાસ રાખવાનો આદેશ આપ્યો હતો.
જે અંતર્ગત એઆઈસીસીના મહાસચિવ પ્રભારી અશોક ગહલોતે આ વિશે દરેક પીસીસી પ્રમુખો, મહાસચિવ, પ્રભારી અને કોંગ્રેસના વિધાયક દળના નેતાઓને ચિઠ્ઠી મોકલીને ઉપવાસ કરવાનું આયોજન કરવાનું જણાવ્યું હતુ. જેને લઈને ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ તેમજ વડોદરા સહિતના કેટલાક શહેરોમાં ધરણા કાર્યક્રમ આયોજિત કરાયો છે.