ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં ૧૮ જેટલા એજન્ડા લેવામાં આવ્યા હતા. અને સર્વાનુમતે મંજુર કરાયા હતા. શહેરીજનોની સુખાકારી અર્થે વતૅમાન સમયે ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી ઉપરાંત લોકો માટે મનોરંજન બાબતો માટે ની સુવિધાઓ પર ખાસ ભાર મુકી શહેરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી છે.
ભાવનગર મહાપાલિકા શાસક પક્ષની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કોર્પોરેશન કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કમિશનર મુકૂલ ગાંધી તથા કમિટીના સભ્યો વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રજાહિત અર્થે શરૂ વિકાસલક્ષી કાર્યો માટે જરૂરી સલાહ-સુચનો કરવામાં આવ્યાં હતાં.
ગૌરીશંકર સરોવર (બોરતળાવ), ગંગાજળિયા તળાવ તથા શહેરની ભાગોળે આવેલા અકવાડા લેઈક આ તળાવોમાં પાણી પર વોટર સ્કૂટરની રાઈડ માણી શકાય એ માટેની જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ ત્રણેય તળાવોમાં મુલાકાતીઓ તળાવમાં પાણીની સપાટી પર પાવરથી ચાલતાં સ્કૂટર પર બેસી તળાવની જળ સપાટી પર રાઈડની મજા માણી શકશે.
ઉપરાંત લાખ્ખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા ગૌરીશંકર સરોવર સ્થિત બાલ વાટીકામાં બાળકો માટે અદ્યતન મિરર હાઉસ સહિતનાં નવા આકર્ષણોનો આનંદ તદ્દન નજીવા ટીકીટ દરે માણી શકાશે. આ ઉપરાંત પિલગાર્ડનમાં પ્રવેશ માટે ૨૦ રૂપિયા ટીકીટ દર વસુલવામાં આવતો હતો. એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે માત્ર દસ રૂપિયામાં પિલગાર્ડનમાં ફરી શકાશે. અકવાડા લેઈક ખાતે પણ નવું ગેઈમ ઝોન તથા અન્ય બેનમૂન આકર્ષણો લોકપ્રિય બનશે. ભાવનગરની જનતા માટે આગામી સમયમાં પર્યટન માટે એક નવું જ માધ્યમ બોરતળાવ ખાતે નિર્માણ થનાર છે.
બટરફ્લાય પાર્ક જેનું કામ પણ આગળ ધપી રહ્યું હોવાનું ચેરમેન ધામેલીયાએ જણાવ્યું હતું.