ગારિયાધારના મોટી વાવડી ગામે ચાર બાળકો ગામના પાદરમાં આવેલ તળાવમાં ડૂબી જતા ચારેયનાં મોત નિપજયા છે.આ બનાવથી નાનકડા એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત મળતી માહિતી મુજબ ગારીયાધારના મોટી વાવડી ગામે ૪ બાળકો નાવા પડ્યા હતા અને ચારેય બાળકોના ડુબી જતા મોત નિપજ્યા હતા, જેમાં જેમાં જયેશ ભુપતભાઈ કાકડીયા ઉ.વ.૧૦, મોન્ટુ હિંમતભાઈ ભેંડા ઉ.વ.૧૧, તરુણ શંભુભાઈ ખોખાણી ઉ.વ.૧૧ અને મિત શંભુભાઈ ખોખાણી ઉ.વ.૧૨ તળાવમાં ડુબી જતાં મોત થયા હતા.
મળતી વિગતો મુજબ મોટીવાવડી ગામના આ ચારેય બાળકો ગઇકાલે સાંજે સાઇકલ લઇને તળાવ પાસેથી જઇ રહ્યા હતા ત્યારે એક બાળકનો પગ લપસી જતા ત્યાં તળાવમાં પડતા અન્ય બાળકો તેને બચાવવા જતા ચારેય બાળકો ડુબી ગયા હતા.બાળકો સાંજ પડતાં ઘરે ન આવતા તેમના ઘરના સભ્યો બાળકોને શોધતાં હતાં.જેમાં તળાવના કાંઠે સાયકલ તેમજ ચપ્પલ મળી આવતાં બાળકો ડૂબી જવાની શંકા જતા ગારિયાધાર ફાયર ફાઇટર અને મામલતદાર, પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જેમાં તળાવમાંથી ગ્રામજનો દ્વારા તરુણો ની લાશો ને બહાર કાઢાવામાં આવી હતી, આ ચારેય બાળકોના પીએમ માટે ગારિયાધાર સીએચસી ખાતે લાવવાની તજવીજ હાથ ધરી હતી. આ નાના એવા ગામમાં કરુણાતી ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું હતું. સવારે બે સગા ભાઇઓ સાથે ચાર બાળકોની અંતિમ યાત્રા નિકળતા નાનકડું એવું મોટી વાવડી ગામ હિબકે ચડ્યું હતું અને શોકનું મોજુ ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.