આઝાદી બાદ વલ્લભીપુર શહેરમાં કુલ મળીને પાંચ પાંચ વાર મુખ્ય માર્ગોના કામ થયા છે. આમ છતાં દર વર્ષે ચોમાસા દરમ્યાન પાણી ભરાવવાની સમસ્યા જેમની તેમ ઉભી રહેતા હાલ વધુ એક વખત માર્ગોના રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ છે. જો કે આ વખતના કામને લઈને પણ સ્થાનિકોમાં અત્યારથી જ રોષ ભભૂકી ઉઠ્યો છે. વલ્લભીપુર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન પાણી ભરાવવાની સમસ્યા ઉદ્દભવે છે. મકાનો, દુકાનો અને વાણિજ્ય સંકુલોના જમીન લેવલને ધ્યાનમાં રાખ્યા વગર અણઘડ રીતે રસ્તાના લેવલનું આયોજન થતું હોવાથી આ સમસ્યા ઉદ્દભવે છે. હાલ ચોમાસુ માથે છે ત્યારે જ પાલિકાને માર્ગોનું નવીનીકરણ કરવાનું યાદ આવ્યું છે. મોટેભાગે ચોમાસા પૂર્વે આવી કામગીરી હાથ ધરાવવી જોઈએ. તેના બદલે ચોમાસાની શરૂઆત માટે માત્ર થોડા દિવસો જ ગણાઈ રહ્યા છે ત્યારે થયેલું માર્ગ નવીનીકરણનું કામ અનેક શંકા-કુશંકાઓ જન્માવે છે. ચીફ ઓફિસર અને ચીફ એન્જીનીયરની ઉપસ્થિતિમાં હાલ ચાલી રહેલું રસ્તાનું કામ શંકાના ઘેરામાં આવે એ રીતે સ્થાનિક લોકોએ આજે બુધવારે સવારે સાઈટ પર હોબાળો મચાવ્યો હતો. મોટા ભાગના મકાનો, દુકાનદારોએ ચીફ એન્જીનીયર અને કાઉન્સિલર સહિતના સભ્યોને ફરિયાદ કરી હતી કે, રોડનું લેવલ વ્યવસ્થિત જળવાયુ નથી. હાલના રસ્તાને મનફાવે એમ વધુ પડતો નીચે ઉતારી દેવાતા દુકાનો, મકાનો રીતસર ઊંચાઈ પર આવી જવાથી તેમાં પ્રવેશવું મુશ્કેલ થઈ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચીફ એન્જીનીયરના જણાવ્યા અનુસાર હાલનો માર્ગ માત્ર છ ઇંચ નીચે ઉતારીને નવો રસ્તો બનાવવાનું ટેક્નિકલ રીતે આયોજન હતું. જો કે તેના બદલે ત્રણ ફૂટ તો ક્યાંક તેના કરતાં પણ વધુ માપે રોડ નીચે ઉતારી દેવાતા સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ઉપસ્થિત એન્જીનીયર અને ચીફ ઓફિસર સહિતના લોકો પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જેનો જવાબ ઓફિસરો પાસે ન હતો. વરસાદી પાણીના નિકાલને લઈને વ્યવસ્થિત ઢાળ ન આપી શકનારા એન્જીનિયરોની આવડત અંગે લોકોએ શંકા વ્યક્ત કરી ભારોભાર રોષ ઠાલવતા એક સમયે વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે લોકોના પ્રશ્નોને લઈને હાલ બની રહેલા માર્ગથી સ્થાનિકોને અગવડતા નહિ પડે એવું ઠાલું આશ્વાસન માત્ર આપવામાં આવ્યું હતું.