ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ કરુણાંતિકા સર્જાય છે સિહોરમાં ચાલુ વરસાદે નહેરૂ ઓળંગી રહેલ માતા-પુત્રી પુરના ધસમસતા પ્રવાહમાં તણાતા મહિલાને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બચાવી લીધી હતી જયારે કમનસીબ બાળાનુ પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના જૂના સિહોર વિસ્તારમાં રહેતા માલધારી પરિવારના શામજીભાઈ જોગરાણા ના પત્ની રાધાબેન આઠ વર્ષીય પુત્રી ધર્મિષ્ઠા સાથે આજરોજ ઢળતી સાંજે ઘર નજીક આવેલ કુંવરબાઇના નહેરા તરીકે ઓળખાતા વોકળા-નેરા માથી શરૂ વરસાદે પસાર થઈ રહ્યાં હતાં તે વેળાએ નેરામા અચાનક આવેલ પાણી ના ભારે પ્રવાહ માં માતા-પુત્રી ફસડાઈ ને પાણીના તિવ્ર પ્રવાહમાં તણાવા લાગતાં આસપાસના લોકો એ દેકારો મચાવ્યો હતો આથી સ્થાનિક યુવાનો મદદે દોડી આવ્યા હતા અને પ્રવાહ સાથે તણાઈ રહેલ માતા-પુત્રી નો પીછો કર્યો હતો જેમાં દેરજી ના કુવા તરીકે ઓળખાતી જગ્યા મા પાણીનું ખેંચાણ ઓછું થતાં યુવાનોએ જીવ જોખમમાં મુકી તણાઈ રહેલ મહિલા ને બહાર ખેંચી લીધી હતી પરંતુ બાળા લાપત્તા થઈ ગઈ હતી આથી લોકો એ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના શોધખોળ હાથ ધરતાં થોડે દૂર થી કમનસીબ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવની જાણ સિહોર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલા ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયારે બાળાના મૃતદેહ નો કબ્જો લઈ પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.