કોરોના મહામારીને કારણે સતત ૨ વર્ષથી શાળાઓ બંધ છે અને તેના લીધે શાળાકીય શિક્ષણ પણ બંધ છે તેથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, આ ઓનલાઇન શિક્ષણ મેળવવાં માટે ઇન્ટરનેટ જોઇએ, એન્ડ્રોઇડ ફોન જોઇએ, આ બધી સગવડો શહેરોમાં કે સંપન્ન લોકો પાસે ઉપલબ્ધ છે. પરંતુ ગ્રામ્ય સ્તરે અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો બધાં લોકો માટે આ સેવાઓ હજુ સુલભ નથી.આવા સમયે તેમની વ્હારે ભાવનગરની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત નાથાભાઇ ચાવડા આવ્યાં હતા, તેઓએ છેલ્લાં બે વર્ષથી તેમની શાળાનું શિક્ષણ ઉપરોક્ત કારણોને લીધે અટકવાં દીધું નથી અને બાળકોના શિક્ષણ યજ્ઞને ‘શેરી-ઓટલે શાળા’ ના નવતર પ્રયોગ દ્વારા ચાલું રાખ્યો છે. અત્યારે જૂન મહિનો ચાલે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ મહિનામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરીને શિક્ષણ યજ્ઞને આગળ ધપાવવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે છેલ્લાં બે વર્ષથી ફિઝિકલ શિક્ષણ બંધ છે. તેથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ માસ પ્રમોશન મેળવેલાં વિદ્યાર્થીઓ પાછળના ધોરણના અભ્યાસથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બ્રીજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે અને તે દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવશે. ભાવનગરના પાલિતાણામાં આવેલ ઝવેરચંદ મેઘાણી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત નાથાભાઇ ચાવડા માટે તો બે વર્ષથી આ માટેનો રોડમેપ તૈયાર છે, એટલે કે અગાઉથી બ્રીજ કોર્ષ તૈયાર છે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષથી શાળાકીય શિક્ષણ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેમની શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ પાસે કાં તો તેના માટે જરૂરી એન્ડ્રોઇડ ફોન નથી અથવા તો છે તો ઘરના વડીલ પાસે જ એન્ડ્રોઇડ ફોન છે જે તેઓ તેઓના કામકાજના સ્થળે લઇ જાય છે. તેથી આવા બાળકો ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકતાં નથી. વળી, તેમની શાળામાં પાલિતાણાના પછાત વિસ્તારના અને મોટાભાગે લઘુમતી સમાજના બાળકો અભ્યાસ કરે છે. આ સંજોગોમાં શિક્ષક નાથાભાઇએ એક નૂતન અભિગમ અપનાવ્યો છે.
જે અંતર્ગત તેઓ જે તે બાળક જે જગ્યાએ રહે છે. તેની શેરીમાં જઇને ‘શેરી- ઓટલે શાળા’ નો અભિગમ અપનાવી ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકોને તેમના વિસ્તારની શેરી કે ઓટલા પર જઇને શિક્ષણ આપી રહ્યાં છે અને તે દ્વારા તેઓએ ‘શાળા બંધ છે, શિક્ષણ નહીં’નો ભાવ ચરિતાર્થ કર્યો છે. આ માટે શિક્ષક શેરીમાં જઈ તેમનાં ઓટલે જ સોમવારથી શનિવાર સુધી અલગ- અલગ વિષયોનું શિક્ષણ મુલાકાત લઇ દરરોજ એક કલાક સુધી બાળકોને શિક્ષણ આપી શિક્ષણનો યજ્ઞ પ્રજ્વલિત રાખ્યો છે, રોમે-રોમ વિદ્યાનો જીવ છે એટલે સતત શિક્ષણની ચિંતા કરી બાળકોને કેવી રીતે વધુને વધુ વિદ્યાવાન અને પ્રજ્ઞાવાન બનાવી શકાય તે માટે પ્રયત્નશીલ રહે છે. આ માટે તેમણે વિવિધ વિષયોને આવરી લઇને નૂતન પ્રોજેક્ટ બનાવી સફળતાપૂર્વક અમલમાં મૂક્યાં છે જેને લઇને તેમને વિવિધ પ્રમાણપત્ર પણ મળ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તરફથી આ નૂતન શિક્ષણ કાર્ય માટે તેમને પ્રશસ્તિપત્ર મળી ચૂક્યાં છે, નાથાભાઇ ચાવડાએ છેલ્લા ૧૫ વર્ષથી પોતાનું મેડિકલ એલાઉન્સ શાળાના વિકાસ કાર્યો માટે ફાળવ્યું છે. આ ઉપરાંત શાળામાં રૂા. ૫૫ હજારના ખર્ચે શાળામાં પ્રજ્ઞા નામનો ખંડ બનાવ્યો છે, આ ખંડ માટે કોથળાઓ વિદ્યાર્થીઓ લાવ્યાં હતાં. આ રીતે વિદ્યાર્થીઓને રચનાત્મક કાર્યોમાં સાંકળીને તેમની ભીતરી શક્તિઓને ખીલવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત બાળકો તેમાં રચનાત્મક કાર્યો કરે તે માટે તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે તે રીતે તેઓ રોમે-રોમ વિદ્યાના જીવ છે. કોઇપણ રીતે શિક્ષણનું કાર્ય અટકવું ન જોઇએ. આ માટે તેઓએ ગયાં વર્ષે મદ્વેસામાં ટી.વી લગાવીને શિક્ષણ વિભાગ દ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમને બતાવીને શાળાકીય શિક્ષણ ચાલું રખાવ્યું હતું, આ માટે તેઓ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે રીતે વિદ્યાર્થીઓને બેસાડતાં હતાં. આ ઉપરાંત માસ્ક, સેનેટાઇઝર અને થર્મલ ગન લઇને તેઓ વિદ્યાર્થીઓનું તાપમાન માપીને કોરોના ન ફેલાય તેની પણ કાળજી લેતાં હતાં.