રાજ્યમાં મેઘ મહેર, આણંદમાં ૪ કલાકમાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો

574

(સં. સ. સે.)ગાંધીનગર, તા. ૧૮
રાજ્યમાં ગઈકાલ રાતથી જ ઠેકઠેકાણે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આણંદમાં ચારેક કલાકમાં જ ધોધમાર સાડા સાત ઈંચ વરસાદ પડી જતાં ઠેર-ઠેર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. આણંદ ટાઉનમાં ભારે વરસાદને કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં પણ આજે વરસાદનું જોરદાર ઝાપટું પડી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આજ સવારથી જ સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ વચ્ચે ટ્રાફિકને અસર પડી હતી.
સુરત ઉપરાંત, દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વલસાડ જેવા જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પણ આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવતા સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં પણ ચોમાસાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જુનાગઢમાં સવારથી જ પણ ધોધમાર વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. જિલ્લાના અનેક ભાગોમાં નોંધપાત્ર વરસાદ થતાં લોકોને બફારાથી રાહત મળી છે.
રાજ્યમાં ગઈકાલથી જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે સારો એવો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, આજે અમદાવાદમાં આ લખાય છે ત્યાં સુધી વરસાદ નથી પડ્યો, પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાનું જોર વધશે અને અનેક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જળવાઈ રહેશે.
ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે. અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય વરસાદની આગાહી કરી છે. દરમિયાનમાં આજે વહેલી આણંદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૭ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં ૬થી ૮ વાગ્યા સુધીમાં ૫ ઇંચ અને ૮થી ૧૦ વાગ્યા સુધીમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે ચોમાસુ આગળ વધી ચૂક્યું છે જેથી આગામી બે દિવસ બાદ પણ વરસાદ રહેશે પરંતુ તીવ્રતા ઓછી રહેશે. આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દમણ તથા નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૪૦ થી ૫૦ પ્રતિ કિમીની ઝડપે પવન ફૂંકાશે.
આજે વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ૧૨ કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં ૨.૭૧ ઈંચ, ધરમપુરમાં ૧૩ એમએમ, પારડીમાં ૧.૯૨ ઇંચ, વલસાડમાં ૧.૮૧ ઇંચ, વાપીમાં ૨૨ એમએમ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.
બીજી બાજુ ભૂકંપ ઝોન ૫માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. આજે વધુ એક ધરતીકંપના આંચકાથી ખાવડા વિસ્તાર ધ્રુજી ઉઠ્‌યો હતો. આજે બપોરે ૩.૪૬ મિનિટે ભૂજની ધરા ધ્રૂજતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હજુ સુધી ભૂકંપની તીવ્રતા કેટલી હતી તે અંગે જાણી શકાયું નથી. એક તરફ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે.
દરમિયાનમાં હળવદથી ૧૮ કિલોમીટર દુર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ભારે વરસાદ તુટી પડતા પળવારમાં ગામમાં પાણીની સ્થિતિ સર્જાઇ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રહ્માણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતા સાંજે પરત ફરી રહેલા બે માલધારીના ઘેટા-બકરા પણ તણાઇ ગયા હતા. જો કે સરકારી તંત્ર હજુ પણ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે.
હળવદ તાલુકા મથકેથી ૧૮ કિલોમીટર દુર બ્રાહ્મણી નદી અને ફલકુ નદી કિનારે વસેલા ચિત્રોડી ગામે મોડી સાંજથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદ એક તબક્કે તો જાણે આભ ફાટ્યું હોય તેમ વરસવા લાગ્યો હતો. જેના કારણે બંન્ને નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. જેના કારણે એક ભરવાડના ૨૫થી ૩૦ જેટલા ઘેટા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જો કે માનવ સાંકળ રચીને ઘેટા બચાવી લેવાયા હતા.
જો કે આશ્ચર્યજનક બાબત છે કે, હળવદ મામલતદારનો ચાર્જ માળિયા મામલતદાર પાસે હોવાથી આ ઘટનાક્રમથી તેઓ અજાણ હોવાનું અને સરપંચ દ્વારા કોઇ જાણકારી આપવામાં ન આવી હોવાનું કહ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી પણ રજા પર હોઇ આભ ફાટવાની ઘટના બની હોવા છતા તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું.
સુરત શહેર – જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સતત બીજા દિવસે મેઘરાજાની શાહી સવારીનું આગમન થવા પામ્યું છે. ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત્‌ રહેતા ઠેર – ઠેર નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ચુક્યા હતા. શહેર – જિલ્લામાં અનેક સ્થળે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આજે સુરત શહેરમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જિલ્લાના ચોર્યાસીમાં બારે મેઘખાંગા જેવી સ્થિતિ જોવા મળી હતી. ચોર્યાસી તાલુકામાં ગણતરીનાં કલાકોમાં પાંચ ઈંચ વરસાદ પડતાં કાંઠા વિસ્તારોના ખેડૂતોમાં પણ ગેલમાં આવી ગયા હતા.
ગઈકાલે રાતથી જ સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું જે આજે પણ રાબેતા મુજબ રહેવા પામ્યું હતું. આજે ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર સુરત શહેર માં સેન્ટ્રલ ઝોનમાં સૌથી ૧૦૦ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય વરાછા ઝોન – એમાં ૫૪, વરાછા ઝોન – બીમાં ૫૨ મીમી, રાંદેરમાં ૬૪ મીમી, કતારગામ ઝોનમાં ૬૫ મીમી, ઉધનામાં ૪૬ મીમી, લિંબાયતમાં ૫૬ મીમી અને અઠવા ઝોનમાં ૫૮ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લામાં ઉમરપાડાને બાદ કરતાં તમામ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં પાંચ ઈંચ વરસાદ ગણતરીનાં કલાકોમાં જ ખાબક્યો હતો. જ્યારે બારડોલીમાં ૧૦ મીમી, કામરેજમાં ૩૪ મીમી, મહુવામાં ૦૫ મીમી, માંડવીમાં છ મીામી, માંગરોળમાં ચાર મીમી, ઓલપાડમાં ૮૭ મીમી, પલસાણામાં ૧૭ મીમી અને સુરત સિટીમાં ૭૦ મીમી વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદને પગલે નદીઓમાં નવા નીરનું આગમન થઈ ચુક્યું છે. નવસારીના ગણદેવીમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ નોંધાવા પામ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતનું ચેરાપુંજી ગણાતા વલસાડમાં પણ ૧૩૩ મીમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં હજી વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે. તાપી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદની ગેરહાજરી વચ્ચે વ્યારા અને સોનગઢમાં અનુક્રમે ૧૧ અને ૧૫ મીમી વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ખેરગામમાં ૬૯ મીમી, ગણદેવીમાં ૧૪૦ મીમી, ચીખલીમાં ૩૧ મીમી, જલાલપોરમાં ૭૩ મીમી, નવસારીમાં ૭૪ મીમી અને વાંસદામાં ૧૩ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૧૦૧ મીમી, કપરાડામાં પાંચ મીમી, ધરમપુરમાં ૨૮ મીમી, પારડીમાં ૧૧૮ મીમી, વલસાડમાં ૧૧૩ મીમી અને વાપીમાં ૫૧મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગ જિલ્લાના સુબીરમાં સૌથી વધુ ૧૭ મીમી, આહવામાં ચાર મીમી, વઘઈમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમની સપાટી આજે સવારે છ કલાકે ૩૧૨.૭૨ ફુટ નોંધાવા પામી છે.

Previous articleઅમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ
Next articleશહેર અને જિલ્લામાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ