તળાજાના શોભાવડ ગામે રહેતો બારૈયા પરીવાર ઈકો કાર લઈને ઉંચા કોટડા દર્શન કરી સુરત જવા માટે નીકળ્યો હતો ત્યારે વડોદરાના પાદરા જંબુસર હાઈવે પર કુરાલ ગામ પાસે ટ્રક સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારનાં ત્રણ સહિત ચાર વ્યક્તિનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે વ્ય્કતિને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે વડોદરાની રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ તળાજાના શોભાવડ ગામે રહેતા બારૈયા પરિવારનાં ધીરૂભાઈ બારૈયા, પ્રભાબેન તેમનાબે પુત્રો વિવેક અને કૌશીક, વિજય સરવૈયા અને ડ્રાઈવર વિશાલભાઈ બારૈયા ઈકો કાર લઈને સુરત જવાના નીકળ્યા હતા. ઉચા કોટડા દર્શન કરી વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર કુરાળ ગામે પહોચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક સાથે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર તમામને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેમાં ધીરૂભાઈ બારૈયા પ્રભાબેન, તેમનો પુત્ર વિવેક તથા ડ્રાઈવર વિશાળ બારૈયાનાં ઘટનાસ્થળે જ મોત નીપજવા પામ્યા હતા. જ્યારે બીજા પુત્ર કૌશીક અને વિજય સરવૈયાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ૧૦૮ સેવા દ્વારા વડોદરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બન્ને વાહનો વચ્ચે દબાઈ ગયેલાં મૃતદેહોને બહાર કાઢવા ક્રેઈનની મદદ લેવાઈ હતી બનાવ બનતાં સ્થાનીક પોલીસ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.