(સંપૂર્ણ સમાચાર સેવા) શ્રીનગર,તા.૨૧
જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં ગત રાતે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓનો ખુડદો બોલાવ્યો. ત્રણ આતંકીઓ આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે સંબંધ ધરાવતા હતા. પોલીસ અને સીઆરપીએફની ટીમ પર થયેલી હુમલામાં સામેલ મુદસ્સિર પંડિતને પણ અથડામણમાં ઠાર કરાયો. ૧૨ જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી અને ૨ નાગરિકોના મોત થયા હતા. આઈજી વિજયકુમારે જણાવ્યું કે સોપોર હુમલામાં સામેલ મુદસ્સિર પોલીસ પાર્ટી પર હુમલો કરવા ઉપરાંત અનેક અન્ય આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. પોલીસના જણાવ્યાં મુજબ ગુંડબ્રથ વિસ્તારમાં ચલાવવામાં આવેલું આ ઓપરેશન હવે પૂરું થઈ ગયું છે. અથડામણ બાદ સુરક્ષાદળોએ ત્રણ છદ્ભ-૪૭ સહિત ભારે માત્રામાં ગોળા બારૂદ પણ જપ્ત કર્યા છે. વિજય કુમારે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની નાગરિક અસરાર ઉર્ફ અબ્દુલ્લા પણ સામેલ હતો. જે વર્ષ ૨૦૧૮થી ઉત્તર કાશ્મીરમાં એક્ટિવ હતો. તેમણે લશ્કર આતંકી મુદસ્સિરના મોતને જનતા માટે મોટી રાહત ગણાવી છે.
અત્રે જણાવવાનું કે ૧૨ જૂનના રોજ સોપોરમાં પોલીસ અને સીઆરપીએફની જોઈન્ટ ટીમ પર આરામપુરાના એક નાકા પર હુમલો થયો હતો. આ હુમલામાં ૩ પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને ૨ અન્ય પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઉપરાંત ૨ નાગરિકોના પણ આ આતંકી હુમલામાં મોત થયા હતા. આ અગાઉ ગુરુવારે પણ આતંકીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. જે સમયે આ વારદાત થઈ તે વખતે પોલીસકર્મી ડ્યૂટી પર નહતો. શ્રીનગરના ઈદગાહ વિસ્તારના સૈદપોરા મહોલ્લામાં આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદ અહેમદને તેમના ઘરની પાસે ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. તેમને નજીકને શૌરા સ્થિત એસકેઆઈએમએસ હોસ્પિટલ ખસેડાયા પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.