(સં સ.સે.) નવી દિલ્હી,તા.૨૧
આજે દુનિયાભરમાં ૭મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો છે. વડાપ્રધાને કહ્યું આજે જ્યારે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે, તો યોગ આશાનું કિરણ બની રહ્યો છે. બે વર્ષથી ભલે દુનિયામાં અને ભારતમાં સાર્વજનિક રીતે કાર્યક્રમ આયોજિત ના કરાતો હોય, પરંતુ યોગ દિવસ પ્રત્યેનો ઉત્સાહ ઓછો નથી થયો. દેશને સંબોધિત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું, દુનિયાના ઘણાં દેશો માટે યોગ દિવસ સદીઓ જૂનો સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો તેને ભૂલી શક્યા હોત, તેની ઉપેક્ષા કરી શક્યા હોત. પરંતુ તેનાથી અલગ, લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે, યોગથી પ્રેમ વધ્યો છે. કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે, જ્યારે કોરોનાના અદૃષ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી હતી, ત્યારે કોઈ દેશ, સાધનો, સામર્થ્યથી અને માનિસિક અવસ્થાથી, તેના માટે તૈયાર નહોતો.
આપણે સૌએ જોયું કે આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું.
વડાપ્રધાને કહ્યું કે, ભારતના ઋષિયોએ, ભારતે જ્યારે પણ સ્વાસ્થ્યની વાત કરી છે, તો તેનો મતલબ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી થતો. માટે યોગમાં ફિઝિકલ હેલ્થની સાથે-સાથે મેન્ટલ હેલ્થ પર પણ ભાર આપવામાં આવ્યો છે. યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેંથ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટી તરફનો રસ્તો બતાવે છે. યોગ આપણને અવસાદથી ઉમંગ અને પ્રમાદથી પ્રસાદ તરફ લઈ જાય છે. યોગ દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, જ્યારે ભારતે યુનાઈટેડ નેશનમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નો પ્રસ્તાવ રાખ્યો હતો, તો તેની પાછળ એ જ ભાવના હતી, કે આ યોગ દુનિયા માટે ફાયદાકારક છે. આજે આ દિશામાં ભારતે યુનાઈટડ નેશન, ડબલ્યુએચઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે દુનિયાને સ્-ર્રૂખ્તટ્ઠ એપની શક્તિ મળવા જઈ રહી છે. આ એપમાં કોમન યોગ પ્રોટોકોલ પર યોગ પ્રશિક્ષણની ઘણા વિડીયો દુનિયાની અલગ-અલગ ભાષામાં ઉપલબ્ધ હશે. આપને જણાવી દઈએ કે આ વર્ષે યોગ દિવસની થીમ, યોગ ફોર વેલનેસ છે, જે શારીરિક અને માનસિક કલ્યાણ માટે યોગના અભ્યાસ પર કેન્દ્રીત છે. કોરોના સંક્રમણના કારણે યોગ દિવસ પર મોટાભાગના કાર્યક્રમ વર્ચ્યુઅલી આયોજિત કરાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ યોગ દિવસના પ્રસંગે દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાન પર યોગાભ્યાસ કર્યા. પોતાના સંબોધનની જાણકારી વડાપ્રધાન મોદીએ રવિવારે સાંજે ટિ્વટરના માધ્યમથી આપી. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું, કાલે ૨૧ જૂને આપણે ૭મો યોગ દિવસ મનાવીશું. આ વર્ષની થીમ ’તંદુરસ્તી માટે યોગ’ છે, જે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગાભ્યાસ પર કેન્દ્રીય છે.” તેમણે જણાવ્યું કે, લગભગ ૬-૩૦ કલાકે યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમ પર સંબોધિત કરીશ.