(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૨
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો મંગળવારના એકવાર ફરી વધી ગઈ છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૨૮ પૈસા મોંઘું થઈને ૯૭.૫૦ અને ડીઝલ ૨૬ પૈસા મોંઘું થઈને ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જૂનમાં ફ્યૂલની કિંમતોમાં આ ૧૨મી વખત વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન પેટ્રોલ ૩ રૂપિયા ૨૭ પૈસા અને ડીઝલ ૩ રૂપિયા ૦૮ પૈસા મોંઘુ થઈ ચુક્યું છે. આનાથી દેશના અડધાથી વધારે રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ની પાર નીકળી ગયું છે. દેશના ૧૪ રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પર પહોંચી ગયું છે. તો બિહાર, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, પંજાબ, મણિપુર, ઓરિસ્સા, ચંદીગઢ, તમિલનાડુ અને લદ્દાખમાં પણ અનેક જગ્યાએ પેટ્રોલ ૧૦૦ રૂપિયા લીટરને પાર નીકળી ગયું છે. મે મહિનાની વાત કરીએ તો આમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૧૬ વાર વધારો થયો. આ દરમિયાન પેટ્રોલ ૪.૧૧ અને ડીઝલ ૪.૬૯ રૂપિયા મોંઘું થયું છે. આ વર્ષની વાત કરીએ તો ૧ જાન્યુઆરીના પેટ્રોલ ૮૩.૯૭ અને ડીઝલ ૭૪.૧૨ પર હતુ, જે અત્યારે ૯૭.૫૦ અને ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર પર છે. એટલે કે ૫ મહિનાથી પણ ઓછા સમયમાં પેટ્રોલ ૧૩.૫૩ અને ડીઝલ ૧૪.૧૧ રૂપિયા મોંઘું થયું છે. દુનિયાભરમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો અને વેક્સિનેશનની વધતી ગતિથી આર્થિક ગતિવિધિઓ ખુલી છે. આનાથી ફ્યૂલ ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. પરિણામ સ્વરૂપ કાચા તેલની કિંમતો આકાશને આંબી રહી છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ બેંક ઑફ અમેરિકાએ એક રિસર્ચ નોટ જાહેર કરી છે. તેણે આ નોટમાં કહ્યું છે કે, બ્રેન્ટ ક્રુડની કિંમતો આ વર્ષે અને આવતા વર્ષે ઉપર રહેશે. આ ઈંધણના સપ્લાય અને માંગના આધાર પર વધશે. આનાથી ૨૦૨૨માં કિંમતો ૧૦૦ ડૉલર પ્રતિ બેરલને પાર થઈ જશે. નોટમાં કહેવામાં આવ્યું છે કે અમારું માનવું છે કે વૈશ્વિક સ્તર પર ઈંધણની જબરદસ્ત માંગથી રિકવરી થશે. આનાથી આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના મોંઘા ભાવોથી રાહત મળવાની સંભાવના નથી. અત્યારે ક્રુડ ઓઇલ ૭૫ ડૉલર છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મેન્યુફેક્ચરિંગનો ખર્ચ વધવાથી જથ્થાબંધ મોંઘવારી દર રિકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે. કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી પ્રમાણે જથ્થાબંધ મોંઘવારી દરમાં ૧૨.૯૪ ટકા પર પહોંચી ગયો છે. આ મે ૨૦૨૦માં -૩.૩૭ ટકા રહ્યો હતો.
Home National International મ.પ્ર, આં.પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ ૧૦૦ને પાર