કોરાના સામેની લડાઇ રાજ્ય સરકાર સાથે નાગરિક સમાજ પણ લડી રહ્યો છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વ છેલ્લાં બે વર્ષથી થંભી ગયું છે. કોરોનાના પ્રકોપને લીધે સામાન્ય નાગરિકોએ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. કોરોના સામેની લડાઇ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સજ્જ કરવાં માટે ગઇકાલથી સમગ્ર રાજ્યમાં વોક-ઇન રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સાથે રાજ્યના મંત્રીઓ પણ તેમનાથી થતી તમામ મદદ માટે તૈયાર હોય છે. આ અભિગમના ભાગરૂપે રાજ્યકક્ષાનાં મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય- ૧૦૩ હેઠળના ભાવનગરના કોળિયાક અને સિહોર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને તેની સારવાર હેતુ માટે પોતાને મળતી વર્ષ ૨૦૨૧-૨૨ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોનાની સારવાર માટેનાં સાધનો ખરીદવા રૂ.૧૯.૭૦ લાખની ગ્રાન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે ફાળવી છે.
જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કોળિયાક ખાતે ૧૦ લીટર પ્રતિ મિનિટનાં બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે રૂ. ૩ લાખ, બે મલ્ટીપારા મોનીટર (ઓક્સીજન, હ્યદયના ધબકારા, બી.પી. માપવાં) માટે રૂ. ૧.૫૦ લાખ, કોરોના દર્દીઓ માટે ૧૦ નંગ સેમી ફાઉલ બેડ માટે રૂ. ૫.૨૦ લાખ અને ડિલિવરી બેડ માટે રૂ.૧ લાખની ગ્રાન્ટ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિહોર ખાતે બે બાયપેપ મશીન માટે રૂ.૩ લાખ અને ૧૦ લીટર પ્રતિ મિનિટનાં ચાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે રૂ.૬ લાખ એમ કુલ મળીને રૂા. ૧૯.૭૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે.
મંત્રીએ આ ગ્રાન્ટ આપવાં સાથે જણાવ્યું છે કે, કોરોના સામેની લડત સામે સજ્જતા એ જ હથિયાર છે ત્યારે રખેને કોરોનાનો ત્રીજો વેવ આવે તો તે માટે અગાઉથી તૈયારી જ કોરોનાના કહેરમાંથી બચાવી શકશે. આથી, કોરોના સામે લડવાં માટે સ્વાસ્થ્યના ક્ષેત્રને મજબૂત કરવું તે આજના સમયની તાતી જરૂરીયાત છે. આ જરૂરીયાતને પારખીને ભાવનગરના કોળિયાક અને સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્યશ્રી તરીકે મળતી ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુખાકારી વધે તે માટે તબીબી ઉપકરણો માટે ગ્રાન્ટ ફાળવી છે.આમ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ ઘટે અને આવનારા દિવસોમાં જો ત્રીજી લહેર આવે તો તેની સામે લડવા માટે ગ્રામ્ય વિસ્તારો પણ સક્ષમ રહે તેવાં પ્રયાસોના ભાગરૂપે મંત્રી દ્વારા અગાઉથી જ આ સહાય- મદદ કરવામાં આવી છે.