(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૩
ભારત અને ચીનની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ અત્યારે પણ ચાલી રહી છે. આ દરમિયાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે નિવેદન આપ્યું છે કે લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર ગલવાન અને અન્ય જગ્યાએ થયેલી અથડામણ બાદ ચીની સેનાને એ અહેસાસ થયો છે કે તેમને વધારે સારી તૈયારીઓ અને ટ્રેનિંગની જરૂર છે. એક સમાચારપત્ર સાથે વાતચીત કરતા બિપિન રાવતે જણાવ્યું કે, ચીની સૈનિક હિમાલયની પહાડીઓથી વાકેફ નથી, ના તેઓ લાંબા સમય સુધી લડી શકે છે.ચીની સૈનિકો દ્વારા કરવામાં આવી રહેલી તાજી ગતિવિધિઓ પર બિપિન રાવતે કહ્યું કે, ભારતથી અડીને આવેલી બૉર્ડર પર ચીને સૈનિકોની તહેનાતીમાં બદલાવ કર્યો છે, જે રીતે ગલવાન અને અન્ય વિસ્તારોમાં ભારતીય સેના સાથે તેની અથડામણ થઈ, તેને અહેસાસ થયો કે તેમને સારી તૈયારીઓની જરૂર છે. ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ દરમિયાન ચીની સેનાને પહોંચેલા નુકસાનને લઈને સીડીએસએ કહ્યું કે, ચીની સૈનિક નાની લડાઈઓ લડી શકે છે. તેમની પાસે આવા વિસ્તારોમાં યુદ્ધ કરવાનો અનુભવ નથી.જો કે તેમણે એ પણ કહ્યું કે, ભારત સતત ચીનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ભારતીય સેના સતત એક્ટિવ છે. ભારતીય સેનાની તૈયારીઓને લઈને બિપિન રાવત બોલ્યા કે, ભારતીય સેનાના જવાનોએ સારી તૈયારીઓ કરી છે અને સ્થિતિને સમજી છે. પહાડી વિસ્તારોમાં આપણી સેના ચીની સેનાની સરખામણીએ વધારે સારી છે. નૉર્થ ફ્રન્ટને લઇને બિપિન રાવતે કહ્યું કે, સેના માટે વેસ્ટ અને નૉર્થ બંને ફ્રન્ટ ઘણા જરૂરી છે. જો કે હાલમાં નૉર્થન ફ્રંટમાં કેટલીક એક્ટિવિટી વધી છે.ઉલ્લેખનીય છે કે ચીનની સાથે લદ્દાખ સરહદમાં ચાલી રહેલો તણાવ અત્યારે સંપૂર્ણ રીતે ખત્મ નથી થયો. બંને દેશો વચ્ચે વાતચીતનો ક્રમ ચાલું રાખવાનો પ્રયત્ન છે, પરંતુ ભારતીય સેના અત્યારે પણ સીમા પર છે.