મોદી સરકારના શાસનમાં દલિતો પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં પ્રતીક ઉપવાસ અને ધરણાંના રાષ્ટ્રીય કાર્યક્રમનું એલાન કરાયું હતું. જેને લઇ નવી દિલ્હીમાં રાજઘાટ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ અને આગેવાનો બે કલાકના પ્રતીક ઉપવાસ પર બેઠા હતા, તો અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં પણ કોંગ્રેસના હજારો કાર્યકરો, આગેવાનો અને નેતાઓ પણ સવારે બે કલાક સુધી પ્રતીક ઉપવાસ અને ધરણાંના કાર્યક્રમ યોજયા હતા. અમદાવાદ શહેરમાં લાલદરવાજા પાસે સરદાર બાગની બહાર કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરો, નેતાઓ અને આગેવાનોએ પણ પ્રતીક ઉપવાસ અને ધરણાં યોજી દલિતો પર અત્યાચારનો શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો, સાથે સાથે ગુજરાત સહિત દેશભરમાં સદ્ભાવના અને સૌહાર્દનો માહોલ જળવાય તે માટે જાહેર અનુરોધ કર્યો હતો. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલના નેજા હેઠળ આજે સવારે ૧૦-૦૦થી ૧૨-૦૦ દરમ્યાન લાલદરવાજા પાસે સરદારબાગની બહાર કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકર્તાઓ, નેતાઓ અને આગેવાનો પ્રતીક ઉપવાસ અને ધરણાં પર બેઠા હતા. જેમાં અમ્યુકો વિપક્ષના નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, ધારાસભ્યો હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસના યુવા નેતા નીરવ બક્ષી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. કોંગ્રેસના તમામ આગેવાનો, નેતાઓ અને કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે ધરણાં-ઉપવાસ યોજી ગુજરાતમાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર અને તેમના પર દમનની વધતી જતી ઘટનાઓને લઇ શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો દ્વારા ગુજરાતમાં સમાજ-સમાજ વચ્ચે સદ્ભાવના અને સૌહાર્દનો માહોલ જળવાય અને રાજયમાં કોમી એખલાસની ભાવના પ્રબળ બને તે માટેનો સામાજિક સંદેશો પણ વહેતો કર્યો હતો. અમદાવાદ શહેરની જેમ જ રાજયના વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર સહિતના શહેરો અને જિલ્લા-તાલુકા કક્ષાએ પણ કોંગ્રેસ દ્વારા પ્રતીક ઉપવાસ અને ધરણાંના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક નેતાઓ અને આગેવાનો જોડાયા હતા.