વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઇ ગઇ છે પરંતુ લાગે છે કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે મોદી સરકારને કપરા ચઢાણ ચઢવા પડશે. પ્રોજેકટની કામગીરી વેગ પકડે તે પહેલાં જ તેના આડેના અંતરાયો અને વિવાદો શરૂ થઇ ગયા છે. આજે વડોદરા ખાતે ગાંધીનગર ગૃહમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કપાત જતી જમીનના ખેડૂતો-જમીન માલિકો અને જમીન સંપાદન કરનાર એજન્સી વચ્ચે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતોની જાણ બહાર આ બેઠક બારોબાર રાખી દેવાઇ હોવાની ચોંકાવનારી વાત સામે આવતાં બેઠકમાં હાજર ખેડૂતોએ જોરદાર આક્ષેપો અને ઉગ્ર સ્વર સાથે જોરદાર હોબાળો મચાવી ૂમૂકયો હતો. ખેડૂતોના હોબાળા અને હંગામા વચ્ચે રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખૂડતોએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. જેના કારણે સમગ્ર બેઠક જ મુલત્વી રાખવાની ફરજ પડી હતી. બીજીબાજુ, વડોદરા-સુરત સહિતના ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે પોતાની જમીનો આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હોવાનો પણ નવો વિવાદ સામે આવી રહ્યો છે, તેથી મોદી સરકારની અને પ્રોજેકટના સત્તાધીશોની ચિંતામાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ રેલવે(બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરીને તેનું નિર્ધારીત વળતર ચૂકવવાની જવાબદારી આર્કાડિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સોંપવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વડોદરા જિલ્લાના અનેક ગામોની જમીનો કપાતમાં જાય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કેટલી જમીન સંપાદન કરવામાં આવશે.,જમીનનું વળતર કેટલું અને કેવી રીતે ચૂકવવામાં આવશે તે અંગેની માહિતી ખેડૂતોને પૂરી પાડવા માટે એજન્સી દ્વારા આજે સવારે વડોદરાના ગાંધીનગર ગૃહમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, એજન્સી દ્વારા માત્ર અમુક ગામના સરપંચોને જાણ કરાઇ હતી. અને સ્થાનિક અખબારોમાં પ્રેસનોટ આપી હતી. જે ખેડૂતોને મિટીંગની જાણ થઇ હતી તે ખેડૂતો નિર્ધારીત સમયે ગાંધીનગર ગૃહમાં આવી ગયા હતા. એજન્સીના હોદ્દેદાર ડી. દત્તા સહિતના કર્મચારીઓ આવી ગયા હતા. પરંતુ મિટીંગની જાણથી વંચિત મોટાભાગના ખેડૂતો મિટીંગમાં આવી શક્યા ન હતા. ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટ, ગોપાલ રબારી સહિતના ખેડૂતોએ મિટીંગના પ્રારંભે જ મિટીંગનો વિરોધ કર્યો હતો. અને એજન્સી ઉપર ખેડૂતોને મિટીંગની કોઇ જાણ થઇ નથી તેવા આક્ષેપ સાથે મિટીંગ રદ કરવાની માંગણી સાથે હોબાળો મચાવી મુક્યો હતો.ખેડૂત આગેવાન હસમુખભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા ગણ્યા ગાંઠ્યા લોકોને જ મિટીંગની જાણ કરવામાં આવી છે, જે ખેડૂતોની જમીન કપાતમાં જાય છે તે ખેડૂતો બેઠમાં આવી શક્યા નથી. જ્યાં સુધી તમામ ખેડૂતોને જમીન સંપાદન અંગેની સંતોષકારક માહિતી પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પોતાની જમીન સંપાદન કરવા દેશે નહીં. હોબાળો મચાવનાર ખેડૂતો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ એજન્સીના પ્રોજેકટ મેનેજર ડી. દત્તાએ મિટીંગ મોકૂફ કરવાની જાહેરાત કરતા મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તેમજ સુરતમાં પણ ખેડૂતોએ બુલેટ ટ્રેન માટે પોતાની જમીન આપવાનો ઈનકાર કરી દીધો છે. મહારાષ્ટ્રના ૧૦૮ ગામના ખેડૂતોએ પણ જમીન આપવા નનૈયો ભણી દીધો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અહીં કુલ ૧૪૦૦ હેક્ટર જમીનનું સંપાદન થવાનું છે, જેના કારણે ૨૦ હજાર જેટલા ખેડૂતો જમીનવિહોણા બને તેવી શક્યતા છે. મોદી સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને ૨૦૨૨ સુધીમાં શરુ કરવા માટે મોટાપાયે કામકાજ ચાલી રહ્યું છે. રાજય સરકારના રેવન્યુ વિભાગે બુલેટ ટ્રેનના રૂટમાં આવતા ખેડા, આણંદ, અમદાવાદ, વલસાડ અને સુરત જિલ્લાના ૪૫ જેટલા ગામડાઓને જાહેર હિતના કામ માટે જમીન સંપાદન કરવા અંગે પ્રાથમિક નોટિફિકેશન ઇશ્યુ કરી દીધા છે પરંતુ ખેડૂતોનો ઉગ્ર વિરોધ હવે સામે આવી રહ્યો છે.