રથયાત્રાની અવઢવ વચ્ચે એક ગજરાજ સાથે જળયાત્રા યોજાઈ

644

પાંચ કળશમાં જળ ભરીને જગન્નાથનો જળાભિષેક કરવામાં આવશે, નિતિન પટેલ, ગૃહમંત્રી અને મંદિરના મહંતે સાબરમતી નદીથી જળ કળશમાં ભર્યું
(સં. સ. સે.) અમદાવાદ,તા.૨૪
કોરોના મહામારી વચ્ચે શહેરમાં આવેલા જગન્નાથ મંદિરમાં ૧૪૪મી રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સરકારે નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ આ વચ્ચે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે રથયાત્રા પહેલા થતો જળયાત્રા મહોત્સવ આજે યોજાઈ રહ્યો છે. આ માટે જગન્નાથ મંદિરેથી નીકલેળી યાત્રા જમાલપુરમાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી કળશમાં જળ ભરી લાવવા માટે પહોંચી છે. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વખતે જળયાત્રામાં મર્યાદિત લોકો જ હાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે જળયાત્રા અને રથયાત્રા વખતે મંદિરમાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. આ વખતે માત્ર એક ગજરાજ જ સાબરમતી નદીના આરે રહેશે. જ્યારે અન્ય ગજરાજો મંદિરના પ્રાંગણમાં ઉભા રહેશે. જળયાત્રામાં ૫ કળશ, ૫ ધ્વજ પતાકા સાથે આ વખતે રહેશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. દર વર્ષે ૧૦૮ કળશમાં પાણી ભરી વાજતેગાજતે જળયાત્રા યોજાય છે. પરંતુ કોરોના મહામારીને કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરના મહંત દિલીપદાસજીએ જળયાત્રા અંગે જણાવતા કહ્યું કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. આ દિવસે પરંપરા એવી છે કે ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. ભગવાનનો અભિષેક થયા બાદ ભગવાન ગજવેશ ધારણ કરે છે અને બપોર બાદ મામાના ઘરે જાય છે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ૫૦થી ઓછા લોકો હાજર રહ્યા છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખીને હજુ સુધી રથ યાત્રા યોજવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. જોકે અમદાવાદ પોલીસ અને અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથ યાત્રાને લઈને તમામ તૈયારીઓ શરું કરી દેવામાં આવી છે જેથી મંજૂરી મળે તો ભગવાનની રથયાત્રા પૂર્ણ વ્યવસ્થા સાથે કાઢી શકાય. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. તો મંદિર દ્વારા પણ રથયાત્રા માટે રથનું સમારકામ, ગાજરાજોની ફિટનેસ, અખડીયાનોના કરતબ, મોસાળાના સહભાગીઓની પસંદગી વગેરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Previous articleતમામ રાજ્યો ૩૧ જુલાઈ સુધી ધો.૧૨નું પરિણામ જાહેર કરેઃ સુપ્રિમ
Next articleમૂડીઝ બાદ S&Pએ ભારતના વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડી ૯.૫ ટકા કર્યું