ભારતબંધ સાથોસાથ સમગ્ર ભાવનગર શહેર-જિલ્લામાં પણ બંધ પાળવામાં આવશે તેવા બિનસત્તાવાર સમાચારો વાયરલ બન્યા હતા પરંતુ શાંતિ અને અમનપ્રિય ભાવેણાવાસીઓએ આ બંધને જાકારો આપી શાંતિપૂર્વક પોતાના ધંધા-રોજગારો માર્કેટ શરૂ રાખી સામાન્ય પરિસ્થિતિમાં સહયોગ આપ્યો હતો.
ગત ર એપ્રિલ બાદ વિવિધ સોશ્યલ મિડીયા એવા પ્રકારે મેસેજ વાયરલ બન્યા હતા. તા.૧૦ એપ્રિલના રોજ સમગ્ર ભારતબંધ રહેશે. દેશના બંધારણમાં નવેસરથી સુધારા તથા આરક્ષણ પ્રથા હટાવી તમામને એક સમાન હક એક સમાન ન્યાયની માંગ સાથે આ બંધને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી પરંતુ ભાવનગરમાં આ વાત માત્રને માત્ર અફવા સાબીત થઈ હતી. લોકોએ બંધને જાકારો આપ્યો હતો તથા રાબેતા મુજબ પોતાનું કાર્ય શરૂ રાખ્યું હતું. ધંધા-વણજ તથા ખાનગી એકમો નિયમિત ક્રમ અનુસાર શરૂ રહેતા જિલ્લા પ્રશાસન તથા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.