શહેરના પથિકાશ્રમ પાસે મિલ્કત બાબતે બોલાચાલી થતા આધેડ પર આઠથી વધુ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ છરીના ઘા ઝીંકી નાસી છુટ્યા હતા. બાદ આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજતા તમામ શખ્સો વિરૂધ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે તપાસ હાથ ધરતા આજરોજ સગીર સહિત આઠ શખ્સોને ગંગાજળીયા પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સાત આરોપીના એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે સગીર આરોપીને ઓબ્ઝર્વેશન હોમ ખાતે મોકલી દીધો હતો.
ગઈ તારીખ ૬-૪ના રાત્રિના સાડા દસ વાગ્યા આસપાસ પથિકાશ્રમ ઝાડા ફળીમાં ફરિયાદી સલમાનભાઈ તથા તેઓના મામા યુનુસભાઈ સીદીકભાઈ મોદી તથા આ કામના આરોપી અરશાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી, સરફરાઝ ઉર્ફે સફુ ફારૂકભાઈ લાખાણી, આમીરભાઈ મહમદહુસૈન ખોલીયા, સલીમભાઈ ઈશાભાઈ લાખાણી, સુફિયાન સફીભાઈ ગછેરા, ભાર્ગવ મહેન્દ્રભાઈ રાઠોડ, સુફિયાન ફારૂકભાઈ લાખાણી તથા એક સગીર રહે. તમામ ભાવનગરવાળા પ્રોપર્ટીના ભાગ બાબતે વાતચીત માટે ભેગા થયેલ અને વાતચીત કરતા આ કામના આરોપી ઉશ્કેરાઈ જઈ છરી તથા ધોકા જેવા જુદા-જુદા હથિયારો વતી યુનુસભાઈ સીદીકભાઈ મોદીને ઈજાઓ કરેલ જે બાબતે ફરિયાદ તા.૭-૪ના રોજ દાખલ થયેલ તેમજ યુનુસભાઈ સીદીકભાઈનું સારવાર દરમ્યાન તા.૭-૪ના કલાક ૧ર-૪પ વાગે મરણ પામેલ. જે બાબતે ગંગાજળીયા પો.સ્ટે. આઈપીસી કલમ ૩૦૭, ૩૦ર, ૧૪૭, ૧૪૮ વગેરેના ગુનાના કામે આ કામના આરોપીઓને ગઈ તા.૯-૪ના રોજ પકડી પાડી આજરોજ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જ્યારે સગીર આરોપીને ઓબ્ઝર્વેશન હોમ ખાતે મોકલી દીધો હતો.