ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાના સરતાનપર ગામે આવેલી જેટી (બોટ લંગારવા મોનું સ્ટેન્ડ) આશરે ૨૫ વર્ષ પહેલાં તુટી ગયેલ છે, જે આજ દિન સુધી ખંઢેર હાલતમાં છે આથી આ વિસ્તારનાં માછીમારોને બોટમાં લઇ જવા લાવવા માટે માલ-સામાનની હેરાફેરીમાં ખૂબજ તકલીફ પડે છે. ભાવનગરનાં નાક સમાન ગણાતું સરતાનપર ગામ અને તેનો દરિયા કિનારો આજથી પચીસેક વર્ષ પહેલા ધમધમતો હતો, કારણ અહીંનો દરિયા કિનારો અને માલ-સામાનની હેરાફેરી માટે જેટીની સુવિધા હોવાથી સરતાનપર બંદરેથી માલ-સામાનની હેરાફેરી થતી અહીં વસવાટ કરતાં લોકોને સારા એવા પ્રમાણમાં રોજીરોટી મળી રહેતી, પરંતુ કોણ જાણે કયા રાજકારણીઓની નજર લાગી ગઇ છે, કે આ જેટી ૨૫-૨૫ વર્ષ વિતવા છતાં રીપેરીંગ કરવાનું કોઇને સુઝતું નથી, આ ગામમાં મોટાભાગે કોળીની વસ્તી છે, અને ઓછામાં ઓછા ૨૫ હજાર મતદારો હશે, આટલા મોટા મત સમૂહ હોવા છતાં કોઇ રાજકિય પક્ષને આ જેટી બનાવવા માટે રસ કેમ નથી ? તે અહીંના રહિશો સમજી શકતાં નથી, જો જેટી બને તો પહેલાની જેમજ અહીં વસતા લોકોને મોટા પ્રમાણમાં રોજી રોટી મળી શકે તેમ છે. તો આ બાબતે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા રાજકારણીઓ, આગેવાનો અને અધિકારીઓ જાગે અને આ ગરીબ, પછાત અને મહેનત મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં મહેનતુ લોકોનું હીત ઇચ્છે તેવું સ્થાનિક લોકો ઇચ્છી રહયા છે.
વર્ષો પહેલા સરતાનપર બંદર ભાવનગરનું એક ધમધમતું બંદર હતું જયાં બધાજ માલ-સામાનની હેરાફેરી થતી જયારથી આ જેટી તુટી ગયેલ છે ત્યારથી સરતાનપર બંદરની સ્થિીત સાવ કફોડી થઇ ગયેલ છે જેના કારણે માછીમારોનાં ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. તેનાથી તેઓને મળતી રોજગારી છીનવાઇ ગઇ છે અને આર્થિક સ્થિતિ ખોરવાઇ ગઇ છે તેથી વહેલી તકે આ જેટલી બાંધી અને માછીમારોની રોજગારી ફરીથી ચાલુ થઇ છે આ બાબતની લેખિત રજૂઆત કમિશ્નરને સરતાનપરનાં સરપંચ લક્ષ્મીબેન ચુડાસમા અને ઉપસરપંચ હર્ષાબેન વિ. યાદવે કરી છે અને સત્વરે આ જેટી રીપેરીંગ કરવા રજૂઆત કરી છે.