સિઝનના પહેલા વરસાદમાં જ વલ્લભીપુરના નવા બનેલા રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યાં

421

સ્થાનિકોના વિરોધ વચ્ચે જબરદસ્તીથી બનાવેલા માર્ગો પર તલાવડા ભરાયા
વલ્લભીપુર, તા. ૨૫
થોડા દિવસો પૂર્વે જ વલ્લભીપુર પાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને ત્રણ ફૂટ કરતા વધુ ઊંડા ઉતારીને નવા માર્ગોનું નિર્માણ કરાયું હતું. આઝાદી બાદ પાંચ પાંચ વખત શહેરના માર્ગો બનાવાયા છે પણ દર ચોમાસે પાણી ભરાઈ જવાના પ્રશ્નનું નિરાકરણ લાવી શકવા માટે કહેવાતા એન્જીનિયરો નિષ્ફળ ગયા છે. થોડા દીવસો પૂર્વે જ વલ્લભીપુરના માર્ગો નવા બનાવાયા હતા. કહેવાતા એન્જીનિયરો અને પાલિકાના ચીફ ઓફિસર સહિતના પદાધિકારીઓએ ત્યારે સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય નાગરિક પણ કહી રહ્યો હતો કે, જે રીતે રસ્તાના લેવલને નીચે ઉતારીને કામ થઈ રહ્યું છે તેનાથી ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહેશે. જો કે એન્જીનિયરોએ અને કોન્ટ્રાક્ટરે બાંહેધરી આપી હતી કે હવે આ માર્ગો પર પાણી નહિ ભરાય. તેઓના આ દાવાની પોલ પહેલા દિવસે વરસેલા એકાદ ઇંચ વરસાદે જ ખોલી નાખી છે. નવનિર્મિત માર્ગો પર યોગ્ય લેવલિંગના અભાવે પાણી ભરાઈ જતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. પાલિકા તરફથી હજુ પણ લોકોને ઉડાઉ જવાબ મળી રહ્યા છે. માર્ગના નવીનીકરણ પાછળ પ્રજાના ટેક્ષના રૂપિયા રીતસર વેડફાઈ ગયા છે. સમસ્યા જેમની તેમ ઉભી હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જો કે જનતાએ તો ઓણ સાલ ચોમાસા દરમ્યાન પાણીમાંથી જ માર્ગ કાઢવો પડશે. આવડત વગરના એન્જીનિયરો અને સત્તા સ્થાને બેઠેલા ભ્રષ્ટ રાજકારણીઓને કારણે વલ્લભીપુરની જનતા પીસાઈ રહી છે. આવનારા દિવસોમાં વધુ વરસાદ પડશે ત્યારે લોકીની શું હાલત થશે એ વિચારીને પણ તંત્રએ સત્વરે કોઈ નક્કર કામગીરી કરવી પડશે.

Previous articleધોની અનોખા અંદાજમાં ઝીવા સાથે વેકેશન માણી રહ્યો છે
Next articleઇસ્કોન મંદિર હરેકૃષ્ણ ધામમાં જગન્નાથજી, બળદેવ, સુભદ્રામૈયાનો અભિષેક કરાયો