એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૬,૧૨,૮૬૮ પર પહોંચી ગઈ : દેશમાં સતત બીજા દિવસે ૬૦ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા, છેલ્લા ૪ દિવસમાં ૨.૭૦ કરોડ લોકોનું વેક્સિનેશન
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતમાં બે દિવસ કોરોનાના કેસમાં વધારો નોંધાયા બાદ ફરી તેમાં ઘટાડો નોંધાયો છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ સાથે વાયરસમાં બદલાવ થઈ રહ્યો છે જે અંગે પણ એક્સપર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે ભારતમાં નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તેને લઈને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે જેની અસર રસ્તાઓ પર અને બજારોમાં જોવા મળી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૫૧,૬૬૭ કેસ નોંધાયા છે, આ પહેલા ત્રણ દિવસ નવા કેસમાં સામાન્ય વધારો નોંધાયો હતો, જે દરમિયાન નવા કેસની સંખ્યા સોમવારે ૫૦ હજારની નીચે પહોંચી ગઈ હતી. જ્યારે ગઈકાલે ૫૪,૦૬૯ કેસ નોંધાયા હતા. પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના લીધે ૧,૩૨૯ દર્દીઓના જીવ ગયા છે.
ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૩,૦૧,૩૪,૪૪૫ પર પહોંચી ગઈ છે. આ સાથે વધુ ૬૪,૫૨૭ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો ૨,૯૧,૨૮,૨૬૭ થઈ ગયો છે. ભારતમાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંક ૩,૯૩,૩૧૦ થઈ ગયો છે.દેશમાં કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાતા કુલ એક્ટિવ કેસ ઘટીને ૬,૧૨,૮૬૮ થઈ ગયો છે.૧૬ જાન્યુઆરીએ દેશમાં વેક્સીનેશનની શરુઆત કરવામાં આવી હતી, જેમાં આજે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે કુલ ૩૦,૭૯,૪૮,૭૪૪ ડોઝ આપવામાં આવ્યા છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૪ જૂન સુધીમાં કુલ ૩૯,૯૫,૬૮,૪૪૮ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૭,૩૫,૭૮૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.