રાનિ પશુઓના અવારનવાર વધતાં જતાં હુમલાઓથી ખેડૂતો-માલધારીઓ હેરાન-પરેશાન
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જળ પલ્લવિત વિસ્તારોમાં બારેમાસ હરિયાળી આચ્છાદિત વિસ્તાર સિંહ,દીપડા સહિતના હિંસક પશુઓ નો કાયમી રહેઠાણ બન્યો છે પરંતુ આ રાની પશુઓ વન-વગડે વસવાટ કરતા ખેડૂતો, ખેત શ્રમજીવી ઓ માલધારીઓ ના સિધ્ધા સંપર્કમાં આવતા સર્જાતા ઘર્ષણમાં હંમેશાં લોકો તથા માલધારીઓ ના કિંમતી પશુઓની મોટાં પ્રમાણમાં જાનહાનિ થાય છે અને ઉત્તરોત્તર આવાં બનાવોમાં ખાસ્સો એવો વધારો જોવા મળી રહ્યો છે.વનવિભાગ દ્વારા આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ શોધી શક્યું નથી જેને પગલે ગ્રામ્ય પંથકના અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં લોકો પર સતત જીવનું જોખમ તોળાયેલુ રહે છે આવાં જ એક બનાવમાં એક આધેડ વયનાં ખેડૂત પોતાની વાડીએ વાવેતર કરેલ મોલાતનુ રાત્રી રખોપુ કરવા ગયાં હતાં એ દરમિયાન મોડી રાત્રે ખેડૂત પર દીપડાએ હુમલો કરતાં ખેડૂત નું મોત નિપજ્યું હતું.સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલ વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાટલીયા ગામે રહેતા અને આ ગામની સીમમાં વાડી ધરાવતા નનુભા જુવાનસિંહ સરવૈયા ઉંમર વર્ષ ૫૫ ગઈ કાલે રાત્રે નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી વાડીએ પાક રક્ષણ માટે ગયાં હતાં અને વાડીએ પહોંચી સુરક્ષા વ્યવસ્થા ના પાસાઓ તપાસી વાડીમાં આવેલ ઝુંપડીમાં સુવા ગયા હતા એ દરમિયાન મોડી રાત થી વહેલી પરોઢ સુધીના સમયમાં ઝાડી-ઝાંખરા માથી એકાએક આવી ચડેલ દીપડાએ મીઠી નીંદર માણી રહેલ ૫૫ વર્ષીય આધેડ નનુભા પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો,આ ઘટનાની જાણ વહેલી સવારે શેઢા પાડોશી ને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને મૃતકના સ્વજનોને તથા ગામના સરપંચ તથા વન વિભાગને જાણ કરતાં લોકો ના ટોળા વાડીએ એકઠા થયા હતા જેમાં વનવિભાગ ના અધિકારીઓ તથા દાઠા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તથા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયારે વન વિભાગના અધિકારીઓ- કર્મચારીઓએ માનવ ભક્ષી દીપડાને ઝડપી લેવા ત્રણ થી વધુ જગ્યાએ ટ્રેપ ગોઠવી અંતરિયાળ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી આ પંથકમાં છાશવારે રાની પશુઓ દ્વારા માલધારીઓ ના દૂધાળા પશુઓ ના મારણ કરવા લોકો પર હુમલા કરવા સહિતના વધતા જતા બનાવોને લઈને વન વિભાગ દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં ન આવતી હોવાના કારણે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.