ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલાની વર્લ્ડ હેરિટેજ શાળા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો.તોઉ-તે વાવાઝોડાના કારણે શાળા પરિસરમાં અનેક વૃક્ષો ધરાશય થતાં ફરીથી પટાંગણ હર્યુંભર્યુ બને તેવા શુભાશયથી વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત ભાવનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ શિહોર તાલુકા પંચાયતના આંબલા સીટના સદસ્યના પ્રતિનિધિનું શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયાએ શાલ અર્પણ કરી અને રાજુભાઈ વાળાએ પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.આ તકે સણોસરા ગ્રામ પંચાયતના સરપંચ, સુરેશભાઈ દવે, દિનેશભાઈ ખાંભલિયા, આંબલા ગ્રામ પંચાયતના સદસ્યો, પ્રાથમિક શાળાના આચાર્ય, ગામના વડિલો, યુવાનો અને શાળાના કર્મયોગીઓ સહપરિવાર જોડાયા હતા.શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયાના માર્ગદર્શન મુજબ કાર્યક્રમનું સંચાલન ગૌરાંગભાઈ વોરાએ કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.