અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન સામે રાખવામાં આવ્યું હતું અને તેના અંગે ચર્ચા કરાઈ
(સં. સ.સે.) નવી દિલ્હી, તા.૨૬
અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આશરે ૧.૫ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન સામે રાખવામાં આવ્યું હતું અને તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા સહિત બાકીના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લખનૌ સ્થિત સીએમ હાઉસ ખાતેથી સામેલ થયા હતા.વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પોતાના પંચ કાલિદાસ આવાસ ખાતેથી જોડાયા હતા. તે સિવાય પ્રદેશના બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત નાણા મંત્રી સુરેશ ખન્ના, નગર વિકાસ મંત્રી આશુતોષ ટંડન, પર્યટન મંત્રી નીલકંઠ તિવારી, સિંચાઈ મંત્રી મહેન્દ્ર સિંહ, અયોધ્યા વિકાસ પ્રાધિકરણના ઉપાધ્યક્ષ વિશાલ સિંહ પણ બેઠકમાં સામેલ થયા હતા. આ સાથે જ ચીફ સેક્રેટરી, પર્યટન વિભાગના પ્રમુખ સચિવ, નગર વિકાસના અપર મુખ્ય સચિવ સહિત અનેક વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા.
આ બેઠકમાં આવાસ વિકાસના પ્રમુખ સચિવે અયોધ્યાને લઈ વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. તેમાં અત્યાર સુધીમાં વિકાસના કેટલા કાર્ય પૂર્ણ થયા છે અને ભવિષ્યમાં કયા કામો થવાના છે તે દર્શાવવામાં આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ બેઠક દરમિયાન અયોધ્યાના સૌંદર્યીકરણ અંગે વિસ્તારથી ચર્ચા થઈ હતી. સાથે જ અયોધ્યામાં બની રહેલી ભગવાન રામની પ્રતિમાને લઈને પણ ચર્ચા થઈ હતી. અયોધ્યાના વિકાસનો જે ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે તે આગામી ૧૦૦ વર્ષોની જરૂરિયાતના હિસાબથી તૈયાર કરવામાં આવ્યો છે. જોકે વડાપ્રધાન મોદીએ આગામી ૩૦ વર્ષનો પ્લાન જ જોયો હતો. ડેવલપમેન્ટ ઓથોરિટીએ અયોધ્યા માટે ૨૦ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. આ પ્રોજેક્ટ્સ મુદ્દે વડાપ્રધાને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને આ પ્રોજેક્ટ્સના ડિજીટલ મોડેલ્સ પણ જોયા હતા.