ભાદરની નદીમાંથી થતી બેફામ ખનીજ ચોરી : તંત્ર મૂકપ્રેક્ષક

1118
guj11418-9.jpg

ધંધુકાના વાગડ ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાંથી ભૂમાફીયાઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ખનીજ ચોરી કરાઈ રહી છે. જેને ડામવા વાગડ ગામના પૂર્વ સરપંચ અને હાલના તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તંત્રને વારંવાર લેખીત-મૌખિક રજૂઆતો છતાં તંત્રની ચૂપકિદી સામે સવાલો ઉપસ્થિત થવા પામ્યા છે.
ખનીજ ચોરી ડામવા તંત્રની નિષ્ફળતા અંતે તા.ર-૪-૧૮ના રોજ ધંધુકા મામલતદારને લેખીત આપેલ. જો તંત્ર તા.૧પ-૪-૧૮ સુધીમાં ભૂમાફીયાઓ સામે પગલા નહીં ભરે તો પોતે હિતેન્દ્રસિંહ ચુડાસમા (તાલુકા સદસ્ય) તા.૧૬-૪-૧૮ના રોજ ભાદર નદી કાંઠે પોતાના શરીરે કેરોસીન છાંટી જાતને જલાવી આત્મવિલોપન કરશે તેવું અલ્ટીમેટમ આપવા છતાં તંત્ર મુકપ્રેક્ષક જ બની રહ્યું હતું. અંતે તાલુકા સદસ્ય દ્વારા તંત્રને જે રજૂઆત કરી તે સંદર્ભે જ વિડીયો સમાચાર ગ્રુપમાં વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં. ત્યારે ધંધુકા મામલતદાર આઈ.આર. પરમાર તથા ખાણખનીજ વિભાગ-અમદાવાદના તંત્ર વાહકો આજે વાગડ ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાંથી જ્યાં ખનીજ ચોરી, ભુમાફીયાઓ દ્વારા કરાય છે તે સ્થળે પહોંચી ખનીજ ખનન કરાયેલ સ્થળે સર્વે કરી માપણી કરવામાં આવી હતી તેમજ કેટલી ખનીજ ચોરી કરાઈ છે ? તે માપ પ્રમાણે ચો.કિ.મી. વિસ્તારની ખનીજ ચોરી કરતા ભુમાફીયાઓ સામે તંત્ર કિંમત વસુલશે તેવું દેખાઈ રહ્યું છે. આ અંગે તાલુકા સદસ્ય હિતેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે ભાદર નદીમાં ભુમાફીયાઓ દ્વારા ખનીજ ચોરી માટે ઉંડા ખાડાઓ જીસીબી દ્વારા કરાયા છે તેમાં પાણી ભરાઈ જતા વાગડ ગામના જ પાંચેક છોકરાઓ ડુબીને મૃત્યુ પણ પામેલ. જે અંગે ગ્રામજનો પણ વાકેફ છે. આ અગાઉ જ્યારે ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય ભરતભાઈ પંડયાના સમયે પણ ભુમાફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરાતી હતી જે અંગે તેમને રજૂઆત કરતા તે સમયે રાજ્ય સરકારમાં રજૂઆત કરી પ્રતિબંધ મુકાવ્યો હતો જે આ વિસ્તારના ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો હતો પરંતુ હવે છેલ્લા પાંચ વર્ષથી ભુમાફીયાઓએ માથુ ઉંચક્યું છે. ત્યારે જો તંત્ર ઉપરોક્ત આપેલ સમય મર્યાદામાં પગલા નહીં ભરે અને ખનીજ (રેતી) ચોરી પર પ્રતિબંધ નહીં મુકવામાં આવે તો ઉપરોક્ત મુકરર કરેલ. તા.૧૬-૪-૧૮ના રોજ ભાદર નદી કાંઠે આત્મવિલોપન કરશે જ જે અંગે તંત્રની જવાબદારી રહેશે તેમ હિતેન્દ્રસિંહ ચુડાસમા જણાવે છે.

Previous article વડિયા તાલુકાના ૪૪ ગામડાઓના જનસેવા કેન્દ્રનો દબદબાભેર પ્રારંભ
Next article શિશુવિહાર દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો