દેશમાં ઝડપથી ટેસ્ટિંગના માળખાને અને ક્ષમતાને મજબૂત બનાવવામાં આવી હોવાનો સરકાર દ્વારા દાવો
(સં. સ.સે.) નવી દિલ્હી, તા.૨૬
કોરોનાની બીજી લહેરનુ જોર ઘટી ગયુ છે.ભારતમાં જોકે કોરોના ટેસ્ટિંગ વ્યાપક રીતે થઈ રહ્યુ હોવાનો દાવો ઈન્ડિયન કાઉન્સિલર ફોર મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો છે.કાઉન્સિલે જાણકારી આપતા હક્યુ છે કે, જૂન મહિનામાં રોજ સરેરાશ ૧૮ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં ભારતે ૪૦ કરોડ ટેસ્ટ કરીને નવો વિક્રમ સર્જયો છે.દેશમાં જૂન મહિનાની પહેલી તારીખ સુધીમાં ૩૫ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પહેલા ભારતે ગયા વર્ષે સાત જુલાઈના રોજ એક કરોડ કોરોના ટેસ્ટ કર્યા હતા.એ પછી ટેસ્ટનો આંકડો વધતો રહ્યો હતો.ફેબ્રુઆરી સુધીમાં ટેસ્ટની સંખ્યા ૨૦ કરોડ સુધી પહોંચી ગઈ હતી.જ્યારે એક જૂન સુધીમાં આ આંકડો ૩૫ કરોડ થયો હતો.જુન મહિનામાં બીજા પાંચ કરોડ ટેસ્ટ થઈ ચુકયા છે.
કાઉન્સિલનું કહેવુ છે કે, દેશમાં ઝડપથી ટેસ્ટિંગના માળખાને અને ક્ષમતાને મજબૂત બનાવવામાં આવી છે.ટેસ્ટમાં વધારાના કારણે કોરોનાના દર્દીઓને ઝડપથી ઓળખી શકાશે અને તેમની તાત્કાલિક સારવાર કરવાનુ પણ શક્ય બનશે.ભારત ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રેસિંગની નીતિને લાગુ કરવામાં સફળ રહ્યુ છે.જેનાથી કોરોનાના પ્રસારને રોકવામાં મદદ મળશે.દેશમાં કુલ લેબોરેટરીઓની સંખ્યા ૨૬૭૫ થઈ ચુકી છે.જેમાં સરકારી લેબોરેટરીઓની સંખ્યા ૧૬૭૬ જેટલી છે.દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૪૮૦૦૦ જેટલા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૧૧૮૩ લોકોના મોત થયા છે.