નવી દિલ્હી, તા.૨૭
ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં થયેલી કારમી હાર બાદ હવે ઈંગ્લેન્ડ સામે આગામી ટેસ્ટ સિરિઝ માટે ભારતીય ટીમમાં બદલાવના સંકેત મળી રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ પણ મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટીમમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા.સામે આવેલી જાણકારકી પ્રમાણે ટીમ ઈન્ડિયાના બે બેટસમેન ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે પર તલવાર લટકી રહી છે. ભારતના મિડલ ઓર્ડરમાં કોહલી, પૂજારા અને રહાણે આધારભૂત બેટસમેન ગણાવાય છે પણ પૂજારા છેલ્લી ૧૮ મેચોમાંથી એક પણ મેચમાં સદી ફટકારી શક્યો નથી.તેની ધીમી બેટિંગની પણ અવાર નવાર ટીકા થતી હોય છે.ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પૂજારાએ ખાતુ ખોલવા માટે ૩૫ બોલ લીધા હતા.દરમિયાન કોહલીએ મેચ બાદ કહ્યુ હતુ કે, અમારે ટીમમાં રમત પ્રમાણે બદલાવ કરવા પડશે.ઝડપથી નિર્ણય લેવા પડશે.અમારી પાસે એટલો સમય નથી કે એક કે બે વર્ષ માટે રાહ જોઈ શકાય. જાણકારોનુ કહેવુ છે કે, કોહલીનુ નિવેદન એ વાત તરફ ઈશારો કરે છે કે, પૂજારા સિવાય રહાણેના સ્થાન પર પણ સવાલ ઉભો થયો છે.મેલબોર્ન ટેસ્ટમાં સેન્ચુરીને બાદ કરતા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે રહાણે મોટી ઈનિંગ રમી શક્યો નથી.અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે હવે ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને મોકો આપવા માંગે છે.શક્ય છે કે, ટેસ્ટ માટે કે એલ રાહુલને અને હનુમા વિહારીને ટીમમાં સમાવવામાં આવે.