(જી.એન.એસ.)સોમનાથ,તા.૨૭
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી સોમનાથની ૨ દિવસીય મૂલાકાતે છે. ત્યારે આજે રવિવારે સોમનાથ મહાદેવના પ્રવાસે છે. મુખ્યપ્રધાન સાથે તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા છે. વિજય રુપાણી અને અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યપ્રધાને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવે જ નહિ અને સૌનું આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેમજ ગુજરાત સોમનાથ દાદાની કૃપા આશિષથી વિકાસ, પ્રગતિની રાહે સતત આગળ વધી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના કરી હતી.મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે રાજકોટના અગ્રણી નીતિન ભારદ્વાજ અને પરિવારજનો પૂજા-અર્ચનામાં સહભાગી થયા હતા. પ્રથમ સૌએ ગણેશજીના મંદિરે દર્શન કર્યા હતા. આ પછી સોમનાથ મંદિરના પૂજારી મિથીલેશ દવેએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી.આ પૂર્વે સોમનાથ મંદિર પરિસરમાં મુખ્યપ્રધાનને શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડાએ સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધામ વિજય રુપાણીની સોમનાથ મુલાકાત દરમિયાન સંસદ સભ્ય રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ અને ઇન્ચાર્જ કલેકટર, અધિક કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.