અમેરિકાના ફ્લોરિડા શહેરમાં ૧૨ માળની ઇમારત ધરાશાયીઃ ૫ના મોત

186

(જી.એન.એસ.)ફ્લોરિડા,તા.૨૭
અમેરિકાના ફ્લોરિડા શહેરમાં ૧૨ માળની એક ઈમારત ધસી પડતા ૧૦૦ કરતા પણ વધારે લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં કાટમાળમાં દટાયેલા ૫ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. આ દુર્ઘટના બાદ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ફ્લોરિડાના મિયામી સમુદ્ર પાસે આવેલી એક ઈમારત અચાનક જ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં ૫ લોકોના મોત થયા છે અને મૃતકઆંક હજુ પણ ખૂબ ઉંચો જાય તેવી શક્યતા છે. આ દુર્ઘટના ૨ દિવસ પહેલા બની હતી અને હજુ પણ બચાવ કામ ચાલુ છે. રેસ્ક્યુ ટીમે અનેક લોકોને સફળતાપૂર્વક કાટમાળમાંથી બહાર કાઢ્યા છે પરંતુ હજુ પણ ૧૫૬ લોકો દટાયેલા હોવાની આશંકા છે. રેસ્ક્યુ ટીમને શનિવારે કૉન્ડોમિનિયમ ટાવરના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ હાથ લાગ્યો હતો અને તે સાથે જ મૃતકઆંક વધીને ૫ થઈ ગયો હતો. ઈમારત ધરાશયી થયા બાદ કાટમાળમાં આગ ફાટી નીકળી હતી જેથી બચાવ કાર્યમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. મિયામી ડાડેના મેયરના કહેવા પ્રમાણે આગની લપેટો ખૂબ જ તેજ છે અને ફાયર વિભાગના કર્મચારીઓને તેનો સ્ત્રોત જાણવામાં મુશ્કેલી પડી રહી છે.
આગના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી છે અને હજુ સુધી દુર્ઘટનાનું કારણ પણ સામે નથી આવ્યું. અધિકારીઓના કહેવા પ્રમાણે તેઓ બિલ્ડિંગમાંથી મળી આવેલા માનવ અવશેષોને મેડિકલ ટેસ્ટિંગ માટે મોકલી રહ્યા છે. તેઓ પરિવારના સદસ્યોના ડીએનએ નમૂના પણ એકત્ર કરી રહ્યા છે જેથી મૃતકોની ઓળખ મેળવી શકાય.

Previous articleજમ્મુ એરફોર્સ સ્ટેશન પર ૫ મિનિટમાં બે બોમ્બ બ્લાસ્ટથી ખળભળાટ મચ્યો
Next articleપૈસાની તંગી નથી પરંતુ વળતર ન આપી શકાયઃ કેન્દ્રનું સુપ્રિમમાં નિવેદન