ગેરકાયદે રેતી સહિતની ખનીજો ખરીદનારા ગાંધીનગર જિલ્લાના બિલ્ડરો પર ભૂસ્તર વિભાગ દ્વારા દરોડાનું શસ્ત્ર ઉગામવાની ઘડીઓ ગણાઇ રહી છે. દરોડા અને તપાસના દોર વચ્ચે રોયલ્ટી પાસ ન ધરાવનારા બિલ્ડરો-કોન્ટ્રાકટર્સ પાસેથી રોયલ્ટી કરતા પાંચ ગણો વધુ દંડ વસૂલવામાં આવશે.
ખાણ અને ખનિજ વિભાગના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, રેતી સહિતની બાંધકામ વપરાશની ખનીજો માટે રાજ્ય સરકાર દ્વારા લીઝ આપવામાં આવતી હોય છે. આમ છતાં ગેરકાયદે રેતીખનન કરનારા તત્વો પાસેથી કેટલાક બિલ્ડર્સ-કોન્ટ્રાકટર્સ રેતી, કપચી સહિતની ખનીજો સસ્તા ભાવે ખરીદતા હોય છે. આથી ટૂંક સમયમાં જિલ્લાના બિલ્ડર્સ અને કોન્ટ્રાકટર્સ પર દરોડા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે.
જિલ્લામાં સમાવિષ્ટ મ્યુનિસિપલ ર્કોપોરેશન, ચારેય નગરપાલિકા, ગુડા વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં રહેણાંક મકાનો તથા વાણિજ્યિક કોમ્પલેક્ષ બંધાવતા બિલ્ડરો અને કોન્ટ્રાકટર્સ પાસે રોયલ્ટી પાસ નહીં હોય તેને નોટીસ આપવામાં આવશે અને નોટીસ પિરીયડમાં રોયલ્ટી પાસ ન બતાવનારા બિલ્ડર-કોન્ટ્રાકટર પાસેથી રોયલ્ટીની પાંચ ગણી રકમનો દંડ વસૂલ કરવામાં આવશે.
વધુમાં ખનીજોના ઉત્પન્ન માટે રાજ્ય સરકાર દ્વારા લીઝ આપવામાં આવતી હોય છે. આ લીઝધારક પાસેથી રેતી-કપચી સહિતની ખનીજોની ખરીદી કરતી વખતે બિલ્ડર-કોન્ટ્રાકટરને રોયલ્ટી પાસ અપાય છે અને આ પાસની જાળવણી કરવાની હોય છે. દરોડાની કાર્યવાહી દરમિયાન રોયલ્ટી પાસ ન રાખનારા બિલ્ડર્સ અને કોન્ટ્રાકટર્સને દંડનો ભોગ બનવું પડશે.