પોતાના પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગર ખાતે રજૂઆત માટે ગયેલા જિલ્લા પંચાયત પ્રમુખોને સ્વર્ણિમ સંકુલ ૨મા પ્રવેશ ન મળતાં, તેમણે હોબાળો મચાવ્યો હતો. દેખાવો કર્યા હતા.જિલ્લા પંચાયતના પ્રમુખો દ્વારા પંચાયત મંત્રી સમય માંગ્યો હોવા છતાં, તેમને પ્રવેશ અપાયો ન હતો. તેથી જિલ્લા પંચાયતના પ્રમુખોએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ૨ ખાતે હોબાળો મચાવી દઈ દેખાવો કર્યા હતા. જો કે તે પછી પ્રમુખો પૈકીના ૧૦ લોકોનું ડેલિગેશન બનાવીને મંત્રીને મળી રજૂઆત કરવાની મંજૂરી મળતા, આ પ્રતિનિધિમંડળ પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારને મળી રજૂઆત કરી હતી. જો કે આ મામલે પંચાયત રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેટલાંક લોકો પાસે પાસ ન હોવાથી તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પંચાયતના પડતર પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકાર તત્પર છે. તેમણે કહ્યું હતું કે ગ્રામ્યકક્ષાએ વિકાસ કાર્ય માટે રાજ્ય સરકાર મદદ માટે તૈયાર છે. પંચાયત પ્રમુખોના પ્રશ્નો અંગે સરકાર સમાધાન કરવા તૈયાર છે.