કોરોના મહામારીના કારણે જાહેર થયેલા લોકડાઉન દરમિયાન ભાવનગરના હેલી શુક્લ અને શિવમ્ શુક્લ દ્વારા ઘરના આંગણામાં સુંદર મજાનો ’ લોકડાઉન કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવેલ છે . ભારત સ્કાઉટ ગાઈડ સંઘના નવી દિલ્હી સ્થિત મુખ્યાલય દ્વારા આયોજિત સંકલ્પ ૨.૦-ટુ ક્રીએટ બેટર ટુમોરો શિર્ષક અંતર્ગત સમગ્ર દેશના સ્કાઉટ ગાઈડ, રોવર, રેન્જરને જોડવા જુદીજુદી ૧૭ પ્રવૃત્તિનું એક્ટિવિટી પેક જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સ્કાઉટ શિવમ્ શુક્લ અને ગાઈડ હેલી શુક્લએ ભાગ લીધો હતો
અને વિવિધ ૧૨ પ્રવૃત્તિમાં જોડાયા હતા.કોરોના વાઈરસ સામે બચાવ માટે માસ્ક અસરકારક રક્ષા કવચની ગરજ સારે છે એ હકીકત તબીબી તારણોમાં સ્પષ્ટ છે ત્યારે તેઓ મમ્મીની મદદથી પ્રથમ સિલાઈ મશીન શીખ્યા હતા અને પછી ૨૫-૨૫ માસ્ક તૈયાર કરી શહેરના વિભિન્ન વિસ્તારોમાં વિતરણ કર્યું હતું. તેઓએ ઘરના આંગણામાં લોકડાઉન કિચન ગાર્ડન તૈયાર કરી તેમાં અલગ -અલગ શાકભાજીના બીજનું વાવેતર કર્યું છે. જે ઉગી પણ ગયા છે. બંને ભાઈ – બહેન તેની નિયમિત સારસંભાળ પણ લઈ રહ્યા છે.