અગ્નિ પી મિસાઈલ એક બેલિસ્ટિક મિસાઈલ છે, જેની મારક ક્ષમતા ૧૦૦૦ કિમીથી ૨૦૦૦ કિમી સુધી છે
(સં. સ. સે.) ભૂવનેશ્વર, તા. ૨૮
ડીઆરડીઓએ પરમાણુ ક્ષમતાથી લેસ આગામી પેઢીની મિસાઈલ અગ્નિ-પીનું સફળ પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓએ અગ્નિ મિસાઈલનું સફળ પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વિપમાં સવારે ૧૦ વાગ્યેને ૫૫ મિનિટ પર કર્યું.ડીઆરડીઓના અધિકારીએ જણાવ્યું કે, તેમના દ્વારા આ મિસાઈલ વિકસિત કરવામાં આવી છે. અગ્નિ પ્રાઈમ મિસાઈલને ૪,૦૦૦ કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-૪ અને ૫,૦૦૦ કિમીની અગ્નિ-૫ મિસાઈલમાં વપરાતી અત્યાધુનિક ટેક્નોલોજી ભેગી કરીને તૈયાર કરવામાં આવી છે. અગ્નિ પી મિસાઈલ એક બેલિસ્ટિક મિસાઈલ છે. જેની મારક ક્ષમતા ૧૦૦૦ કિમીથી ૨૦૦૦ કિમી સુધી છે. તે જમીનથી જમીન પર માર કરનારી મિસાઈલ છે. જે લગભગ ૧૦૦૦ કિગ્રાનો પેલોડ કે પરમાણુ શસ્ત્ર લઈ જઈ શકે છે. ડબલ સ્ટેડવાળી મિસાઈલ અગ્નિ-૧ની સરખામણીમાં તે હળવી અને વધુ પાતળી હશે.અગ્નિ પ્રાઈમ મિસાઈલ બે સ્ટેજ અને સોલિડ ફ્યૂલ પર આધારિત છે અને તેને એડવાન્સ રિંગ લેઝર ગાયરોસ્કોપ પર આધારિત જડત્વીય નેવિગેશન સિસ્ટમ દ્વારા ડાઈરેક્ટ કરવામાં આવશે. રક્ષા વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાં મુજબ ડબલ સ્ટેજવાળી અગ્નિ પ્રાઈમ ફ્લેક્સિબિલિટીની સાથે રોડ અને મોબાઈલ લોન્ચર બંનેથી ફાયર થઈ શકે છે. ભારતે પહેલીવાર વર્ષ ૧૯૮૯માં મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ ૧નું પરીક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે અગ્નિ પી મિસાઈલ અગ્નિ ૧ની જગ્યા લેશે. અત્યાર સુધી અગ્નિ સિરીઝની પાંચ મિસાઈલોનું સફળતાપૂર્વક વિકાસ અને પરીક્ષણ કરવામાં આવ્યું છે.મહત્વનું છે ગત ચાર દિવસ પહેલા પણ ૨૪ જૂન અને ૨૫ જૂનના દિવસે ચાંદિપુર મિસાઈલ ટેસ્ટિંગ રેન્જ પરથી ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલા સ્મ્ઇન્ ટેક્નોલોજી આધારીત સ્વદેશી પિનાકા રોકેટના નવા વર્ઝનનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.