ભાવનગર ખાતે ૧૧ હજારથી પણ વધુ આંગણવાડીનાં બાળકોને ગણવેશ વિતરણ કરાયું

620

મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેની વિશેષ ઉપસ્થિતિ : આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ ગણવેશથી આગવી ઓળખ મળશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
શહેરનાં અટલ બિહારી વાજપાઇ ઓપન એર થિએટર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવનગર શહેર સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની ૩૧૬ આંગણવાડીઓના ૧૧,૭૭૧ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી વિશેષરૂપે ઉપસ્થિતિ રહ્યાં હતાં અને મુખ્યમંત્રી પાસેથી મહિલા અને બાળ વિકાસ વિભાગને મળેલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના પ્રમાણપત્રનો સ્વીકાર્યો હતો.આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વર્ચુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ ગણવેશથી આગવી ઓળખ મળશે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૩૬ કરોડ ૨૮ લાખના ખર્ચે આકાર પામેલી આ ગણવેશ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો -ભૂલકાઓ માટેનો આ સંવેદના સ્પર્શી નવતર અભિગમ ગણાવી જણાવ્યું કે,રાજ્યભરની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિના મૂલ્યે ગણવેશ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર ગુજરાત રાજ્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતે કોરોનાકાળ દરમ્યાન રાજ્યના ૩ થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે ૧ કિલો ગ્રામ સુખડી આપવાની પહેલ પણ ગુજરાતે કરી છે.કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતાં આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું.મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા, મહિલા બાળ વિકાસ કમિશનર કે. કે. નિરાલા તેમજ આઇ. સી. ડી. એસ. નિયામક મોદી ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયાએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓને “નંદ ઘર” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, તેમાં આનંદ સાથે અભ્યાસની દરેક પ્રકારની સગવડ ઉપલબ્ધ છે.ખાનગી પ્લે શાળા કે આંગણવાડી કરતાં ઉચ્ચ સ્તરના અને લાયકાત ધરાવતા શિક્ષકોની આંગણવાડીમાં ભરતી કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા આજથી શરૂ કરવામાં આવેલ ગણવેશ વિતરણ કાર્યક્રમને આવકારતા તેમણે જણાવ્યું કે, આંગણવાડીમાં પ્લે એરિયા સાથે મોટા રમકડાં, મોટી કીટ તો હોય જ છે પરંતુ હવે તેમાં ગણવેશ પણ સામેલ કરવામાં આવવાથી બાળકો કિલ્લોલથી રમશે, આનંદ કરશે અને તેની સાથે-સાથે ભણશે.આ “નંદ ઘર”માં માતા યશોદાની જેમ કાર્ય કરતી બહેનો નાના-નાના ભૂલકાઓ માટે જે મહેનત કરે છે તેને પણ તેમને આવકારી તેઓ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ જણાવ્યું કે, નાના ઘરના છેવાડાના બાળકો “નંદ ઘર”માં ગણવેશ સાથે જવાથી તેમનામાં આત્મવિશ્વાસનું પણ સિંચન થશે.રાજ્ય સરકાર દ્વારા આજે “નંદ ઘર” ના બાળકોને ગણવેશ આપવાનો વિચાર મૂર્તિમંત કરવામાં આવ્યો છે. તે છેવાડાના માનવીના બાળકોના વિકાસનો વિચાર છે. તેનાથી અન્યોને પણ પ્રેરણા મળશે.રાજ્ય સરકારે છેવાડાના માનવીની પણ ચિંતા કરી છે અને છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે અને કેળવણી મળે તે માટેનું આ રાજ્ય સરકારનું સરાહનીય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૦ બાળકોને યુનિફોર્મ તથા હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યુનિફોર્મમાં દિકરીઓને પીનાફ્રોક અને દિકરાઓને શર્ટ અને હાફપેન્ટ આપવામાં આવેલ અને હાઇજિન કિટમાં નેલ કટર, માસ્ક, સાબુ, રૂમાલ, સેનિટાઇઝર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર કૃણાલભાઇ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઇ રાવલ, દંડક પંકજસિંહ ગોહિલ, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી સહિતના મહાનુભાવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleટિ્‌વટરે ભારતના નક્શામાં જમ્મુ-કાશ્મીર, લદાખને સામેલ ન કર્યા
Next articleઢસાગામે ટ્રક તળે કચડાઈ જતાં શ્રમજીવીનું મોત નિપજ્યું