એંગલ અવરોધ રૂપ બનતા વાહનચાલકો મુશ્કેલી વેઠતા હોવાની રજૂઆત
ભાવનગર, તા.૨૯
ભાવનગર શહેરથી અમદાવાદ શોર્ટ રૂટને જોડતો માર્ગ નારી ગામ પાસે તૂટતાં તંત્ર દ્વારા હેવી વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ભાવનગર શહેર માં એન્ટ્રી માટે ખારગેટ સ્થિત એકમાત્ર રસ્તો બચે છે પરંતુ અહીં એંગલ અવરોધ રૂપ બનતાં વાહન ચાલકો અટવાઈ રહ્યાં છે ત્યારે આ સમસ્યા નું સત્વરે નિરાકરણ લાવવા લોક માંગ પ્રબળ બની છે.ભાવનગર-અમદાવાદ-વટામણ-અધેલાઈ તારાપુર, વડોદરા સહિતના રોડને જોડતો માર્ગ ભાવનગર ના નારી ગામ પાસે પુલ નજીક તૂટી જતાં હાઈવે ઓથોરિટી બોર્ડ અને મહાનગરપાલિકા દ્વારા ટ્રક,બસ સહિતના હેવી વાહનોને આ રોડપરથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આ તમામ ટ્રાફિક શહેર વચ્ચે થી નિકળી નવાબંદર થઈ ને કાળાતળાવ સનેસ નીરમાં ના પાટીયા પાસે મળતાં રોડનો ઉપયોગ હંગામી ધોરણે કરવામાં આવી રહ્યો છે પરંતુ ગઈ કાલથી આજ સુધી માં સેંકડો વાહનચાલકો અટવાઈ રહ્યાં છે.ભાવનગર શહેર ના મુખ્ય પ્રવેશ દ્વાર ખારગેટ પાસે તંત્ર દ્વારા નાખવામાં આવેલી એંગલને પગલે ટ્રક-બસ આ એંગલ માથી પસાર થઈ શક્તા નથી આથી વાહન ચાલકો રાહદારીઓ આ અવરોધ દુર કરવા અને અજાણ્યા વાહન ચાલકો ને મદદરૂપ થાય એ માટે રસ્તા નિર્દેશના બોર્ડ મુકવા માંગ કરી રહ્યાં છે એ સાથે આ પ્રવેશદ્વાર પર વધારે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જવાનો પણ રાઉન્ડ ધ કલોક ગોઠવવા માંગ કરી છે જેથી ટ્રાફિક જામ કે અન્ય કોઇ મુશ્કેલીઓ ન સર્જાય.ભાવનગર મહાપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ઘામેલીયા એ જણાવ્યું હતું કે જો એંગલ દૂર કરવામાં કોઈ વાંધો નથી પણ મેઈન બજાર હોવાથી લોકોની મોટા પ્રમાણમાં અવરજવર વધુ રહેતી હોય છે, જો મોટા વાહનો પ્રવેશે તો ટ્રાફિક જામ વધારે થાય છે.