(જી.એન.એસ)મુંબઈ,તા.૨૮
શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમ સોમવારે શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઇ છે. ભારત આ પ્રવાસ દરમિયાન ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચની સીરિઝ રમશે. ૧૩ જુલાઇએ પ્રથમ વનડે મેચ રમાશે. ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ આ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના હેડ કોચની ભૂમિકા ભજવતાં નજરે પડશે. ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઇ છે તેની જાણકારી બીસીસીઆઇએ પોતાના ટિ્વટર હેન્ડલ પર શેર કરી. એક ગ્રુપ ફોટોમાં તમામ ખેલાડી સાથે જોવા મળ્યાં હતાં.???શ્રીલંકા પ્રવાસ માટે દેવદત્ત પડિક્કલ, પૃથ્વી શૉ, કૃષ્ણપ્પા ગૌતમ અને ચેતન સકારિયા જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ઉપરાંત ટીમમાં ઇશાન કિશન અને સંજૂ સેમસનના રૂપમાં બે વિકેટકીપર પણ છે. આ યુવા ટીમને લઇને કેપ્ટન ધવનનું કહેવું છે કે, ખેલાડીઓ પાસે આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી મુખ્ય ટીમમાં જગ્યા બનાવવાની સોનેરી તક છે.શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમઃ- શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સુર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન, સંજૂ સેમસન, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કૃષ્ણપ્પા ગૌતમ, કુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સકારિયા.