ભાવનગર શહેરમાં લાંબા સમયથી બીએમસી દ્વારા ખેલાતા “ખાડાના ખેલ” ચોમાસામાં વેગવંતા બને છે…! શિયાળા-ઉનાળામાં સુષુપ્ત ગતિએ ચાલતાં વિવિધ વિકાસ કાર્યોને ચોમાસામાં રાતોરાત પાંખો ફૂટી નીકળે છે અને આ વિકાસ કાર્યોની આડમાં તંત્ર પ્રજાને રીતસર બાનમાં લે છે છતાં કોઈ એક હરફ સુધ્ધાં નથી ઉચ્ચારતુ…!ઘણાં વર્ષો થી ભાવનગર મહાનગરપાલિકા માં ભાજપ સત્તારૂઢ છે અને આ સત્તાધીશોએ પ્રજાની આંખે વિકાસરૂપી રૂપકડા ગ્રીન ચશ્માં લગાવી દિધા છે તંત્ર એને “વિકાસ” કહેછે પરંતુ આમ જનતા માટે અપાર યાતનાઓ સાથે આ વિકાસ હાડમારી નું હુલામણુ નામ સાબિત થઈ રહ્યું છે રોડ અને ડ્રેનેજ,વોટર ડીપાર્ટમેન્ટ સહિતના વિભાગો વચ્ચે આપસી સંકલનનો સદંતર અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે.
રોડ વિભાગ નવો રસ્તો બનાવે એટલે તુરંત જ ડ્રેનેજ અથવા વોટર વિભાગને ભૂગર્ભ લાઈન પાથરવાનું યાદ આવે અને નવો બનાવેલો રોડ ખોદી જાહેર યાતાયાત માટે અવરોધ સર્જે છે જેમાં સ્થાનિકો માટે તો તંત્રની કામગીરી આરપારની કસોટી થી જરાપણ કમ ન હોય આવા કામોમાં માત્ર બીએમસી જ નહીં પરંતુ ખાનગી ટેલીકોમ કંપનીઓ પણ તંત્ર જેટલો જ સહિયારો સૂર પુરાવે છે રોડ તટે ફિટ કરવામાં આવેલાં પેવર બ્લોક આવી કંપનીઓને જાણે આંખ ના કણા માફક ખૂચતા હોય તેમ શહેરના મુખ્ય તથા આંતરીક રસ્તાઓ ના બંને તરફના સ્પેસમાં પેવરબ્લોક લગાડવામાં આવ્યાં છે પરંતુ ટેલીકોમ કંપની ઓ દ્વારા વારંવાર ખોદકામ કરી પેવરબ્લોક નું નામ-નિશાન મિટાવી દે છે થોડા દિવસ પહેલા નિલમબાગથી વિઠ્ઠલવાડી સુધીના રોડપર કોઈ કંપની એ ખોદકામ ર્ક્યું હતું અને તાજેતરમાં જ લગાવેલ પેવરબ્લોક તહેસ- નહેસ કરી નાખ્યાં છે એજ રીતે શહેરના મહિલા કોલેજ સર્કલ પર યશવંતરાય નાટ્યગૃહ સામે રોડપર થોડાં દિવસથી વોટરવર્કસ વિભાગ દ્વારા રોડ આડેધડ ખોદી ચિકણી માટીનાં ડમ્પ ચડાવી દેતાં દરરોજ નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે અને ખોદેલી લાઈનમાં બરાબર પુરાણ ન કરતાં હેવી વાહનો ફસાઈ જાય છે એજ રીતે મોખડાજી સર્કલ ફરતે આરસીસી રોડ નિર્માણનું મહુર્ત ભર ચોમાસે આવ્યું છે.એક સાઈડ બંધ કરી એક તરફના રોડપર બંને તરફીનુ ટ્રાફિક ડાઇવટૅ કરવા સાથે હયાત રોડના ઠેકાણાં ન હોય વરસાદ ના સમયે વાહન સાથે તો ઠીક પણ પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.