ગુજરાત રાજય ગવર્મેન્ટ કોલેજ ભુજમાં ડીપ્લોમાં ઇન માઇનીંગ એન્જિનિયરિંગ તથા ભુજ, પાલનપુર તથા ગાંધીનગર થી ડિગ્રી માઇનીંગ એન્જિનિયરિંગ કોલેજમાંથી સ્નાતકો બેકાર ફરી રહ્યા છે.
રોયલ્ટી ઇન્સ્પેકટરની જગ્યા તેમનાં માટે સુવર્ણ તક હતી. માઇનીંગનાં ૨૪ ઉમેદવારોની સહી સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં કરવામાં આવેલી રજુઆત પ્રમાણે પરીક્ષા જાહેર થઇ તેમાં ૧૫૦ માર્કમાંથી ૬૦ માર્કનું જનરલ નોલેજ તથા ૯૦ માર્કનાં તાંત્રીક પ્રશ્નો પુછવાનું જાહેરાતમાં લખ્યુ હતુ. જે પ્રમાણે જીઓલોજી તથા માઇનીંગનાં ૪૫-૪૫ માર્કનાં પ્રશ્નો હોવા જોઇતા હતા. આ બંને ફિલ્ડનું ક્વોલીફીકેશન માન્ય રખાયુ હતુ. પરંતુ પરીક્ષા લેવાઇ તો ૯૦ માર્કનાં તાંત્રીકમાંથી ૮૦ માર્કનું જીઓલોજી કોર્સનું પુછાયુ. માત્ર ૧૦ માર્કનુ જ માઇનીંગ કોર્સનું પુછાયુ! મતલબ જીઓલોજીનાં સ્ટુડન્ટને બખ્ખા પડી ગયા અને માઇનીંગ એન્જીયરીંગનાં સ્ટુડન્ટ ને ૮૦ માર્કનું નુકશાન થાય છે. જેનો સીધો મતલબ થાય તે જીઓલોજી ફિલ્ડનાં વિદ્યાર્થીઓ ની તરફેણમાં જ પેપર તૈયાર કરાયું હતુ!
બીઇ માઇનીંગનાં સ્ટુડન્ટ દ્વારા ગૌણ સેવા મંડળની વિશ્વસનીયતા સામે પણ સવાલ કરાયા છે. આ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવે જેમાં બંને ફિલ્ડનાં ૪૫-૪૫ માર્કનાં તાંત્રીક પ્રશ્નો રખાય તેવી માંગ કરાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સાથે મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી, રાજયપાલ, શિક્ષણમંત્રી, તકેદારી આયોગ તથા મુખ્યસચિવની કચેરીમાં પણ આ આવેદનપત્ર મોકલવામાં આવ્યુ છે.