ધો.૧૧ અને ધો.૧ર વિજ્ઞાનપ્રવાહની ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ પૂરી થઇ ચૂકી છે. ધો.૧ર સેમેસ્ટરની પરીક્ષા પાસ ન કરી શકનાર વિદ્યાર્થીઓ માટે હવે તા. ૧૯ થી ર૧ એપ્રિલથી સુધી બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાઓ લેવાની જાહેરાત કરાઇ છે. હવે ધો.૧૧ અને ૧રમાં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ થતાં જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર સિસ્ટમ દરમિયાન પરીક્ષા પાસ કરી શકયા નથી તેમના માટે બોર્ડ દ્વારા સ્પેશિયલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે અમદાવાદની ૧૦થી વધુ શાળાઓને કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે, જેમાં અંદાજે ૩,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ૧૯ એપ્રિલે ગણિત અને જીવ વિજ્ઞાનનું પેપર લેવાશે. જ્યારે ર૦ એપ્રિલના રોજ અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે. ત્યારબાદ ર૧ એપ્રિલના રોજ ભૌતિક વિજ્ઞાન, કમ્પ્યૂટર એજ્યુકેશન અને વિદ્યાર્થી દ્વારા તેણે પસંદ કરેલી ભાષાના વિષયની પરીક્ષા યોજાશે.પરીક્ષાનો સમય સવારના ૧૦-૩૦થી બપોરના ર-૦૦ અને બપોરના ૩-૦૦ થી સાંજના ૬-૩૦ સુધીનો રહેશે.