ભારતમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને ૪૦ હજારની અંદર પહોંચ્યા, મૃત્યુઆંક ૧૦૦૦થી નીચો

427

રિકવરી રેટ સુધરીને ૯૬.૮૭% થયો, એક્ટિવ કેસ સાડા ૫ લાખ થયા : ૩૨.૯૦ કરોડ કોરોના રસીના ડોઝ અત્યાર સુધીમાં અપાયા
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૯
દેશમાં કોરોનાના કેસોમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા સાડા ત્રણ મહિના અર્થાત ૧૦૨ દિવસ બાદ દૈનિક પોઝિટિવ કેસો ૪૦ હજારની નીચે નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૭,૫૬૬ નવા કેસ સામે આવ્યા છે તેમજ વધુ ૯૦૭ દર્દીના મોત થયા છે. કોરોનાના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૩,૧૬,૮૯૭ થઈ છે. સળંગ બીજા દિવસે એક હજારથી ઓછા લોકોના મોત થયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.છેલ્લા ૭૭ દિવસમાં દૈનિક મૃત્યુનો આંકડો સૌથી ઓછો ૯૦૭ રહ્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ ૩,૯૭,૬૩૭ દર્દીના મોત થયા છે. કેન્દ્રીય મંત્રાલયના મતે દેશમાં કુલ ૩૨.૯૦ કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.સક્રિય કેસનો આંક ઘટીને ૫,૫૨,૬૫૯ થયો છે જે કુલ કેસ લોડના ૧.૮૨ ટકા થાય છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૨,૯૩,૬૬,૬૦૧ દર્દીઓ સ્વસ્થ થયા છે જેને પગલે રિકવરી રેટ વધીને ૯૬.૮૭ ટકા નોંધાયો છે. દેશમાં કોરોનાના કુલ ૪૦,૮૧,૩૯,૨૮૭ ટેસ્ટ હાથ ધરાયા છે. સોમવારે એક દિવસમાં કુલ ૧૭,૬૮,૦૦૮ કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ સળંગ ૨૨માં દિવસે ૫ ટકાથી નીચે ૨.૧૨ ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિત પોઝિટિવિટી રેટ ૨.૭૪ ટકા છે.છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯૦૭ દર્દીના મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં ૨૮૭, કેરળમાં ૧૧૦, તમિલનાડુમાં ૯૮ અને કર્ણાટકમાં ૯૩ દર્દીના મોત થયા છે.ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.

Previous articleશ્રીનગરના પારિંપોરામાં અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા
Next articleમોર્ડના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે શિપ્લાને DCGIની મંજૂરી