કોવિશીલ્ડ, કોવૈક્સીન અને સ્પૂતનિક-વી બાદ મોડર્ના ભારતમાં ઉપલબ્ધ થનારી ચોથી રસી હશે, રસીના ઉપયોગ પૂર્વે રસીકરણનું આંકલન રજૂ કરાશે
(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૨૯
કોરોના વિરુદ્ધ જંગમાં ભારતને વધુ એક હથિયાર મળી ગયું છે. હકીકતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે ડીસીજીઆઈએ શિપ્લાને ઇમરજન્સી ઉપયોગ માટે મોર્ડનાની કોવિડ-૧૯ રસીની આયાતને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી છે. કોવિશીલ્ડ, કોવૈક્સીન અને સ્પૂતનિક-વી બાદ મોડર્ના ભારતમાં ઉપલબ્ધ થનારી ચોથી રસી હશે.
એક સૂત્રએ જણાવ્યું કે, ‘ડીસીજીઆઈ એ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ હેઠળ, નવી ઔષધિ તથા ક્લિનિકલ પરીક્ષણ નિયમ, ઇમરજન્સી ઉપયોગ માટે મોર્ડનાની કોવિડ-૧૯ રસીને આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. મોર્ડનાએ એક પત્રમાં ૨૭ જૂને ડીસીજીઆઈને સૂચના આપી હતી કે અમેરિકી સરકાર અહીં ઉપયોગ માટે કોવિડ-૧૯ની પોતાની રસી એક વિશેષ સંખ્યામાં ડોઝ કોવૈક્સ દ્વારા ભારત સરકારને દાન કરવા માટે સહમત થઈ ગઈ છે. સાથે તે માટે કેન્દ્રીય દવા સંગ્રહ નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ) ની મંજૂરી માંગી છે. સિપલાએ સોમવારે અમેરિકી ફાર્મા કંપની તરફથી આ રસીની આયાત અને વિતરણનો અધિકાર આપવા માટે ઔષધિ નિયામકને વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે કોવૈક્સ કોવિડ-૧૯ ની રસીના સંતુલન વિતરણ માટે એક વૈશ્વિક પહેલ છે. એક અધિકારીએ કહ્યું કે, આપાત સ્થિતિમાં સીમિત ઉપયોગ માટે આ મંજૂરી જનહિતમાં છે. કંપનીએ રસીકરણ કાર્યક્રમ માટે રસીનો ઉપયોગ શરૂ કરતા પહેલા પ્રથમ ૧૦૦ લાભાર્થીઓમાં કરવામાં આવેલા રસીકરણનું આકલન સોંપવું પડશે. સિપલાએ સોમવારે અરજી આપી આ રસીના આયાતની મંજૂરી માંગી હતી. તેણે ૧૫ એપ્રિલ અને એક જૂનના ડીસીજીઆઈ નોટિસનો હવાલો આપ્યો હતો.