હેવી ટ્રાફિકથી ધમધમતા યાતાયાત માટે તંત્ર દ્વારા વ્યવસ્થાનો પનો ટૂંકો પડ્યો
ભાવનગર શહેર થી અમદાવાદ ને જોડતો શોર્ટરૂટ શહેરથી તદ્દન નજીકના અંતરે આવેલ નારી ગામ નજીક ક્ષતિગ્રસ્ત થતાં આ માર્ગ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે અને સમગ્ર ટ્રાફિક ને જેમાં હેવી લોડેડ વાહનોને કુંભારવાડા તથા મેઈન બજાર ખારગેટ થી ડાઈવર્ટ કરવામાં આવ્યો છે પરંતુ ડાઈવર્ટ માર્ગ હેવી ટ્રાફિક વાહન માટે સક્ષમ ન હોવાનાં કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
વર્ષો જૂનો ભાવનગર શહેર થી નારી ચોકડી થી અમદાવાદ,ધોલેરાને જોડતો ટૂંકો રોડ બે દિવસ પૂર્વે નારી ગામ પાસે ભંગાણ સર્જાતા ટ્રક-બસ સહિતના હેવી લોડેડ વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ ટ્રાફિક ને શહેરના ગઢેચી વડલા તથા શહેરના મુખ્ય બજાર ખારગેટ થી ડાઈવર્ટ કરવામાં આવ્યો છે પરંતુ આ બંને રોડ ભારે વાહનોના પસાર થવા માટે સક્ષમ ન હોવા ઉપરાંત ખુબ જ સાંકડો હોવાનાં કારણે વાહન વ્યવહાર બાધિત થઈ રહ્યો ખાસ રાત્રીના સમયે બે થી અઢી કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. આ બંને રોડના પ્રવેશ પોઈંટ પર તથા નવાબંદર કેબલટ્રેઈડ પુલ અને સનેસ ગામ નિરમા ના પાટીયા પાસે પોલીસ બંદોબસ્ત મોજુદ હોવા છતાં ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે હાલમાં વાહન ૧૨ કિલોમીટર નું ડાયવર્ઝન કાપતાં બે થી અઢી કલાક જેવો સમય દરરોજ રાત્રે લાગે છે આ સમસ્યાનું તત્કાળ સમાધાન લાવવા વાહન ચાલકો દ્વારા ઉગ્ર માંગ કરાઈ રહી છે.