દેશભરમાં અનામતના વિરોધમાં સવર્ણો-ઓબીસી દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, જોકે કોઇ પણ મોટાં સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું નથી તેમ છતાંય છેલ્લા ઘણા દિવસથી આજે બંધનું એલાન છે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. બંધના એલાનના પગલે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે શહેરમાં વહેલી સવારથી ઠેર ઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બંધના એલાનના પગલે કોઇએ સમર્થન નહીં આપતાં સમગ્ર શહેરમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી સ્કૂલ-કોલેજો, ધંધા રાબેતા મુજબ ચાલુ રહેતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં બપોરના બાર વાગ્યા સુધી કોઇ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો હતો નહીં
શિક્ષણ અને નોકરીમાં અનામતના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે તેવો મેસેજ સોશિયલ મીડિયા પર છેલ્લા ૮ દિવસથી વાઈરલ થયો હતો. ૮ દિવસ પહેલાં દલિત સંગઠનોએ કરેલા ભારત બંધના એલાનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેને લઇ આજે ભારત બંધના એલાનમાં કોઇ ઘેરા પ્રત્યાઘાત પડે નહીં તે માટે વહેલી સવારથી આખા દેશમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કેન્દ્ર સરકારે અનામતના વિરોધમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વાઇરલ મેસેજને પણ ગંભીરતાથી લેવા માટે રાજ્ય સરકારને આદેશ કર્યા હતા ત્યારે રાજ્ય સરકારે પણ આ મામલે ગંભીરતા લઇ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે તો બીજી તરફ તમામ રાજકીય પક્ષોએ તેઓ આ બંધ સાથે જોડાયેલા નથી તેવી જાહેરાત કરી છે.
ભારત બંધના એલાનના પગલે આજે વહેલી સવારથી શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બંધના એલાનના પગલે કોઇએ સર્મથન નહીં આપતાં આજે વહેલી સવારથી શહેરમાં નીરવ શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.